`વેલકમ બૅક હોમ, અભિષેક નાયર’: કેકેઆરે પોસ્ટમાં આવું કેમ લખ્યું?

કોલકાતાઃ થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ ક્રિકેટર અભિષેક નાયરને ભારતીય ટીમના સહાયક-કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે તરત જ વિકલ્પ શોધી લીધો છે, કારણકે તે આઇપીએલના ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની સપોર્ટ સ્ટાફ ટીમમાં ફરી જોડાઈ ગયો છે.
નાયરે આ સ્ટાફમાં ફરી જોડાવા સંમતિ આપતાં જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેકેઆરની પોસ્ટમાં `વેલકમ બૅક હોમ, અભિષેક નાયર’ લખવામાં આવ્યું હતું. જોકે કેકેઆરના સપોર્ટ સ્ટાફમાં નાયરની શું ભૂમિકા રહેશે એ સ્પષ્ટ નહોતું કરવામાં આવ્યું.
આપણ વાંચો: BCCIએ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ પર કરી કડક કાર્યવાહી, અભિષેક નાયર સહીત 4ની હકાલપટ્ટી
2024માં કેકેઆરની ટીમ આઇપીએલની ત્રીજી વાર ચૅમ્પિયન બની ત્યારે નાયર કેકેઆરનો સહાયક કોચ હતો. તેણે કેકેઆર ઍકેડેમીમાં ખેલાડીઓના વિકાસ સંબંધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઇપીએલ (IPL)ની વર્તમાન સીઝનમાં કેકેઆર છઠ્ઠા સ્થાને છે અને એને ઉપર કેવી રીતે લાવવી એની યોજનાના ભાગરૂપે નાયરને ફરી બોલાવવામાં આવ્યો હશે એવું મનાય છે.
કેકેઆરની અગાઉની પોસ્ટમાં નાયરને ફરી સહાયક કોચ (Assistant coach) બનાવવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. જોકે થોડી વારમાં જ એ પોસ્ટ ડીલીટ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે ભારતીય બૅટર્સને કઈ ખાસ સલાહ આપી?
થોડા મહિના પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના ઉપરાઉપરી બે સિરીઝમાં (ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી અને ઑસ્ટ્રેલિયા સામે 1-3થી) પરાજય થવાને પગલે નાયરને ભારતીય ટીમ માટેના સેટ-અપમાંથી દૂર કરી નાખવામાં આવ્યો હતો.
ગયા વર્ષે આઇપીએલ બાદ જુલાઈ 2024માં હેડ-કોચ ગૌતમ ગંભીરના નજીકના સાથી અભિષેક નાયરને ટીમ ઇન્ડિયાના સહાયક કોચ તરીકેનું પદ મળ્યું હતું. કેએલ રાહુલ, રોહિત શર્મા અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓએ નાયરની ભૂમિકાને બિરદાવી હતી એમ છતાં બીસીસીઆઇએ બૅટિંગ-કોચ તરીકે સિતાંશુ કોટકની નિયુક્તિ કરી એને પગલે બીસીસીઆઇ (BCCI)ના સપોર્ટ સ્ટાફમાં અભિષેક નાયરનું સ્થાન અનિશ્ચિત થઈ ગયું હતું.