IPL 2024

ઇનિંગ્સમાં કોઈ એક બોલરને ચારને બદલે પાંચ ઓવર અપાશે?: આઇપીએલની માર્કેટમાં જોરદાર ચર્ચા છે

મુંબઈ: આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 17મી સીઝનમાં બૅટિંગમાં 17 કરતાં પણ વધુ વિક્રમો તૂટી ચૂક્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી. લગભગ રોજ કોઈને કોઈ નાનો-મોટો રેકૉર્ડ તૂટતો જ હોય છે. આ સ્થિતિમાં હવે સ્પષ્ટ છે કે બોલર્સને લાભ અપાવતો કોઈ નિયમ નહીં લાવવામાં આવે અથવા તો વર્તમાન નિયમમાં થોડી છૂટ નહીં અપાય તો બોલર્સની હાલત વધુ ખરાબ થઈ જશે.

સનરાઇઝર્સ હૈદરાબાદે તાજેતરમાં ટીમ-ટોટલનો નવો વિક્રમ રચ્યો ત્યારે સચિન તેન્ડુલકરે સોશિયલ મીડિયામાં ટકોર કરતા લખ્યું હતું કે ‘આવું જ ચાલ્યા કરશે તો બોલર બનવાની ઇચ્છા કોને થશે?’

હૈદરાબાદે પહેલાં તો મુંબઈ સામેની મૅચમાં બેન્ગલૂરુનો 11 વર્ષ જૂનો 263/5નો વિક્રમ તોડીને 277/3નો નવો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ત્યાર બાદ હૈદરાબાદે બેન્ગલૂરુ સામેની મૅચમાં 287/3ના સ્કોર સાથે પોતાનો જ વિક્રમ તોડ્યો હતો. એક મૅચમાં બન્ને ટીમના રનના સરવાળાની બાબતમાં તેમ જ સિક્સર્સમાં પણ વિક્રમો બન્યા છે.

જૂનમાં ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો છે અને આઇપીએલમાંના બૅટર્સના વર્તમાન અભિગમ પરથી લાગે છે કે વિશ્ર્વકપમાં પણ ઇન્ટરનૅશનલ ટીમો આક્રમક બૅટિંગના અપ્રોચ સાથે જ મેદાન પર ઊતરશે. આ સંજોગોમાં બોલર્સ માટે કોઈક ઉપાય હોવો જોઈએ કે નહીં એ વિશે એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટે ત્રણ દિગ્ગજોને પૂછ્યું હતું કે ‘શું આઇપીએલની એક ઇનિંગ્સમાં કોઈ એક બોલરને ચારને બદલે પાંચ ઓવર બોલિંગ કરવાની છૂટ મળવી જોઈએ કે નહીં? આ વિકલ્પ પર વિચારણા થવી જોઈએ કે નહીૅં? એવું પૂછ્યું હતું.

આપણ વાંચો: IPL 2024 GT vs DC: માત્ર 16 રન બનાવનારા ઋષભ પંત પ્લેયર ઓફ ધ મેચ, બોલર્સને અન્યાય? જાણો શું છે કારણ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને દિલ્હી કૅપિટલ્સના ક્રિકેટ-ડિરેકટર રિકી પૉન્ટિંગે કહ્યું, ‘હું તો કહું છું કે ઇનિંગ્સમાં એક બોલરને એક શુંકામ, બે ઓવર વધુ આપવી જોઈએ. હું તો ઘણા સમયથી આ સૂચન કરું છું. ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની એમસીસી (મૅરિલબૉન ક્રિકેટ ક્લબ)ની વર્લ્ડ ક્રિકેટ કમિટીની મીટિંગમાં મેં આ મુદ્દો ઉઠાવીને સૂચન કર્યું હતું. મારા સૂચન પર શું ચર્ચા થઈ એની તો ખબર નથી, પણ હું કહું છું કે આપણે બોલર્સને જ પૂછવું જોઈએ કે તેઓ ચારને બદલે પાંચ ઓવર બોલિંગ કરવા તૈયાર છે? મને લાગે છે કે કોઈ ટીમના બોલર ના નહીં પાડે.

ઉદાહરણ તરીકે, મુંબઈ ઇન્ડિયન્સ બુમરાહને ચારને બદલે પાંચ ઓવર આપવાનું પસંદ કરશે જ. હા, કોઈ બોલરની ચાર ઓવર સારી ગઈ હોય અને પાંચમી ઓવરમાં સમજો કે 30 રન બને તો એ સહન કરવાની તેમની તૈયારી છે ખરી? મને તો લાગે છે કે પાંચ ઓવરની અજમાયશ કરવામાં કંઈ ખોટું નથી.’

વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપ કહે છે, ‘મને તો અત્યારે ટી-20 પ્રૉડક્ટ એકદમ ઓકે લાગે છે. હું હંમેશા પિચ તૈયાર કરવા પર ભાર આપું છું. એ બૅલેન્સ્ડ હોવી જોઈએ. પેસ બોલર્સને વધુ અનુકૂળ પડે કે સ્પિનર્સને, એ સમતુલિત હોવી જરૂરી છે. પિચ પર બૉલ ઉછળવો જોઈએ અને ટર્ન પણ થવો જોઈએ. હું તો બૅટ અને બૉલ વચ્ચેની આ હરીફાઈમાં માનું છું. હા, એ સમતુલા ન જળવાતી હોય તો બોલરને એકાદ વધુ ઓવર આપવાનો નિયમ બનાવી શકાય, પરંતુ હું પરંપરા જાળવી રાખવામાં માનું છું એટલે આ રમતમાં કોઈ મોટા ફેરફાર ન થવા જોઈએ એવી મારી માન્યતા છે.

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર અને જાણીતા કોચ ટૉમ મૂડીએ કહ્યું છે, ‘હું બિશપના પિચ વિશેના મંતવ્ય સાથે 100 ટકા સહમત છું. અગાઉ મેં પણ ટી-20ની ઇનિંગ્સમાં એક બોલરને ચારને બદલે પાંચ ઓવરની છૂટ આપવાનું સૂચન કર્યું હતું, પરંતુ માત્ર ઇમ્પૅક્ટ પ્લેયરના આઇપીએલમાંના નિયમને લીધે બૅટ-બૉલ વચ્ચેની સમતુલા લાવવાના હેતુથી જ મેં એ સૂચવ્યું હતું. અન્ય કોઈ ટી-20 સ્પર્ધા માટે મેં નહોતું સૂચવ્યું.

હું તો કહું છું કે પોતાના બોલર્સનો કેવી રીતે ઉપયોગ કરવો એની કુશળતા કૅપ્ટનમાં હોવી જોઈએ. સુકાની પોતાના બોલિંગ-આક્રમણને કેવી રીતે મૅનેજ કરે છે એ તો ખરી મજા છે. ક્રિકેટની એ જ તો એક ખાસિયત છે. મારો કોઈ બોલર સારી બોલિંગ ન કરે તો બીજાને અજમાવું. હવે તો ટીમમાં ઘણા સ્પેશિયાલિસ્ટ બોલર્સ હોય છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button