ગુજરાત ટાઇટન્સની ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં કેમ આટલી સફળ છે?: શુભમન ગિલ પ્લાન પરથી પડદો ઊંચકે છે
જયપુર: ચોથી એપ્રિલે અમદાવાદમાં જે કામ યજમાન ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સે કર્યું એ કામ ખુદ ગુજરાતે બુધવારે જયપુરમાં યજમાન રાજસ્થાન રૉયલ્સ સામે કર્યું અને આઇપીએલની 17મી સીઝનને વધુ એક દિલધડક મૅચ મળી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ પ્રેક્ષકોની હાજરીમાં ગુજરાતે બરાબર 200 રનનો ટાર્ગેટ આપ્યો એ પંજાબે 19.5 ઓવરમાં (મૅચના સેક્ધડ-લાસ્ટ બૉલ પર) સાત વિકેટના ભોગે મેળવી લીધો હતો.
ત્યારે શશાંક સિંહ (અણનમ 61) અને આશુતોષ શર્મા (17 બૉલમાં 31 રન)ની જોડીએ રંગ રાખ્યો હતો. બુધવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. છેવટના બૅટર્સમાં ખાસ કરીને રાહુલ તેવટિયા (11 બૉલમાં 22 રન) અને મૅન ઑફ ધ મૅચ રાશીદ ખાન (11 બૉલમાં 24 અણનમ)ની જોડીએ પરાજયને વિજયમાં ફેરવી આપ્યો હતો. 18મી ઓવરમાં 157 રનના સ્કોર પર એમ. શાહરુખ ખાન (આઠ બૉલમાં 14 રન)ની વિકેટ પડી ત્યારે પણ ગુજરાતને જીતવાની આશા હતી, કારણકે ગુજરાતની ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં સૌથી સફળ રહી છે.
આવેશ ખાનની 20મી ઓવરમાં ગુજરાતે જીતવા 15 રન બનાવવાના હતા. પહેલા ચાર બૉલમાં રાશીદ ખાને 11 રન બનાવ્યા હતા. પાંચમા બૉલમાં બે રન બન્યા, પણ તેવટિયા રનઆઉટ થઈ ગયો હતો. હવે છેલ્લા બૉલમાં રાશીદ ખાને બે રન બનાવવાના હતા અને તેણે ચોક્કો ફટકારી ગુજરાતને થ્રિલરમાં જીત અપાવી હતી.
લક્ષ્યાંક ચેઝ કરવામાં ગુજરાતની ટીમ કિંગ ગણાય છે. તેમણે લક્ષ્યાંક ચેઝ કરવાનો આવ્યો હોય એવી બાવીસમાંથી 16 મૅચમાં તેઓ જીત્યા છે. એમાંથી ઘણી મૅચોમાં તેઓ હારને જીતમાં ફેરવી ચૂક્યા છે. બુધવારની મૅચ એમાંની એક હતી.
કૅપ્ટન શુભમન ગિલે 44 બૉલમાં 72 રન બનાવીને જીતનો પાયો નાખી આપ્યો હતો.
આપણ વાંચો: IPL-2024: ગઈકાલે કોણે રોકી હતી MI VS GTની મેચ? વીડિયો થયો વાઈરલ…
ખુદ ગિલે 197 રનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે કેવી વ્યૂહરચના અપનાવી એની વાત મૅચ પછી કરી હતી. તેણે કહ્યું, ‘અમે સરેરાશ ત્રણ ઓવરમાં 45 રન બનાવવાનું નક્કી કર્યું હતું. ટી-20 મૅચમાં લક્ષ્યાંક ચેઝ કરવા માટે આવો જ વ્યૂહ વિચારવો પડે. અમારે ઓવર દીઠ ઍવરેજ 15 રન બનાવવાના હતા એટલે બૅટરે એક ઓવરમાં બે સારા હિટ મારવાના હતા. અમે નક્કી કર્યું કે બન્ને છેડાના બૅટરે નવ બૉલમાં બાવીસ રન તો બનાવવાના જ. નવ બૉલમાં ત્રણ સારા હિટ લાગે તો બાવીસ રનનો લક્ષ્યાંક પૂરો થઈ શકે અને એમાં પણ જો બેમાંથી એક બૅટર જોરદાર હિટિંગ કરે તો વધારાના રન પણ મળે. ટીમમાં જો વધારાનો બૅટર હોય તો આવો વ્યૂહ આસાનીથી અમલી બની શકે.’ખુદ શુભમન ગિલે 44 બૉલની ઇનિંગ્સમાં બે સિક્સર અને છ ફોર ફટકારી હતી.
ગુજરાત ટાઇટન્સે આઇપીએલની મૅચમાં છેલ્લી ઓવરમાં 15 કે વધુ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હોય એવું આઠમાંથી ચાર વાર બન્યું છે.
બુધવારે રાજસ્થાન રૉયલ્સના સુકાની સંજુ સૅમસને 38 બૉલમાં અણનમ 68 રન બનાવ્યા હતા અને મૅચ પછી તે પોતાની ટીમના પરાજયથી સ્તબ્ધ હતો. તેણે કહ્યું, ‘ગુજરાત ટાઇટન્સને દાદ દેવી પડે. તેમણે પહેલાં તો સારી બોલિંગ કરી અને પછી બહુ સારી બૅટિંગ પણ કરી. હું બૅટિંગમાં હતો ત્યારે મને એવું લાગતું હતું કે 180 રન જેટલો સ્કોર પૂરતો રહેશે.
શિમરૉન હેટમાયરની ફટકાબાજીથી અમને 196 રનનો સ્કોર મળ્યો એનાથી અમે ખૂબ ખુશ હતા. જે પિચમાં ભેજ નહોતો, એ સૂકી હતી અને એના પર નીચા બાઉન્સ થતા હતા એના પર 197 રનનો ટાર્ગેટ અમને ઘણો ઊંચો લાગ્યો એટલે અમને જીતવાની આશા હતી. અમારી બોલિંગ લાઇન-અપ પણ સારી હતી એટલે અમને ખાતરી હતી કે અમે જ જીતીશું.’