નવી દિલ્હી: કોઈ પણ મૅચ જીતવા તેમ જ નાની-મોટી કોઈ પણ ટૂર્નામેન્ટ જીતવા માટે ટીમમાં એક્તા હોવી જરૂરી છે. બીજું, વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવાના પ્રયત્ન પહેલાં ટીમવર્કથી ટીમને જિતાડવાનું સૌથી અગત્યનું હોય છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કનું એવું કહેવું છે કે મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં બે જૂથ પડી ગયા છે જેને કારણે એના ખેલાડીઓ એકજૂટ થઈને પર્ફોર્મ નથી કરી શકતા.
આઇપીએલની 17મી સીઝન શરૂ થઈ એ પહેલાં જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના કૅપ્ટનપદે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને નિયુક્ત કરી દેવામાં આવ્યો હતો.
પીટીઆઇના અહેવાલ મુજબ માઇકલ ક્લાર્કે કહ્યું છે કે ‘મને નથી લાગતું કે મુંબઈ ઇન્ડિયન્સ પ્લે-ઑફમાં પહોંચશે. આ ટીમ વિશે શરૂઆતથી ચર્ચાઓ જ થઈ છે. ટીમમાં આટલા બધા સારા ખેલાડીઓ હોય અને તેઓ આ રીતે સતત સારું ન રમે એ કેવી રીતે બની શકે? એના પરથી જ મને લાગે છે કે ટીમમાં બે જૂથ પડી ગયા છે. ટીમમાં કંઈક તો બની જ રહ્યું છે. બધાને એકમેક સાથે જામતું નથી લાગતું. તેઓ ટીમ બનાવીને રમી નથી રહ્યા.’
મુંબઈની ટીમમાં રોહિત, હાર્દિક, સૂર્યકુમાર, ટિમ ડેવિડ અને બુમરાહ જેવા કાબેલ ખેલાડીઓ હોવા છતાં મંગળવાર પહેલાં આ ટીમ નવમાંથી છ મૅચ હારી હતી. નવમાંથી ત્રણ મૅચમાં જીત ખાસ કરીને બુમરાહ અને રોમારિયો શેફર્ડના ધમાકેદાર પર્ફોર્મન્સને લીધે મળી હતી.