દિનેશ કાર્તિક વિશે રોહિતે મજાકમાં કરેલી કઈ ભવિષ્યવાણી સાચી પડી શકે?

બેન્ગલૂરુ: આઇપીએલની 17મી સીઝનમાં અત્યારે 38 વર્ષનો દિનેશ કાર્તિક ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની સાતમાંથી છ મૅચમાં કાર્તિકની બૅટિંગ આવી છે જેમાંથી ત્રણમાં તે અણનમ રહ્યો છે. એમાં પણ 11મી એપ્રિલે વાનખેડેમાં મુંબઈ સામેની અણનમ 53 રનની અને સોમવારે બેન્ગલૂરુ સામેની 83 રનની તેની ઇનિંગ્સ બેનમૂન હતી. બન્ને ઇનિંગ્સમાં તેણે માનસિક દબાણમાં હાફ સેન્ચુરી ફટકારી અને સૂર્યકુમાર યાદવની જેમ અનોખા શૉટ્સથી હરીફ ખેલાડીઓને ચોંકાવી દીધા હતા અને ક્રિકેટપ્રેમીઓને ખુશ કરી દીધા હતા.
વાત એવી છે કે 11મી એપ્રિલે વાનખેડેમાં મુંબઈ સામે કાર્તિક (જે ડીકેના નામે ફેમસ છે) તેની અસલ સ્ટાઇલમાં ફટકાબાજી કરી રહ્યો હતો ત્યારે રોહિતે શર્માએ વિકેટકીપર ઇશાન કિશનને મજાકમાં કહ્યું, ‘શાબાશ ડીકે…વર્લ્ડ કપ સિલેક્શન કે લિયે ઇસ કો પુશ કરના હૈ, દિમાગ મેં યહી ચલ રહા હૈ…વર્લ્ડ કપ ખેલના હૈ વર્લ્ડ કપ.’
રોહિતની આ રમૂજ સાંભળીને કાર્તિક હસવા લાગ્યો હતો અને ફરી પોતાના મિજાજમાં રમવા લાગ્યો હતો.
ખરેખર તો દિનેશ કાર્તિક અચાનક જ ફૉર્મમાં આવીને જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે વિકેટકીપર-બૅટરની હરીફાઈમાં આડકતરી રીતે રિષભ પંત, સંજુ સૅમસન, કેએલ રાહુલ, ઇશાન કિશન અને જિતેશ શર્મા તેમ જ અનુજ રાવતને પડકાર આપી રહ્યો છે.
કાર્તિકમાં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને હજી જો એકાદ-બે આવી જ ધમાકેદાર ઇનિંગ્સ રમશે તો સિલેક્ટરો તેને વર્લ્ડ કપ માટેની ટીમમાં ફિક્સ કરી જ દેશે. તે આઇપીએલમાં જે રીતે રમી રહ્યો છે એ જોતાં ખાતરીથી કહી શકાય કે ટી-20 ફૉર્મેટમાં સારું રમવા તે સક્ષમ છે જ.
અહીં સવાલ એ છે કે રોહિતે કાર્તિક વિશે મજાક કરી હતી, પણ કાર્તિક વાસ્તવમાં વર્લ્ડ કપ માટેની ટીમની રેસમાં આવી ગયો છે. ભલે વિકેટકીપર તરીકે નહીં તો તેને પિંચ હિટર તરીકે કે મૅચ ફિનિશર તરીકે ટીમમાં સમાવાશે તો પણ નવાઈ નહીં લાગે.
સોમવારે હૈદરાબાદ સામે કાર્તિકે 35 રનમાં જે 83 રન બનાવ્યા ત્યારે લાગતું હતું કે જો તે થોડો વધુ સમય ક્રીઝમાં ટકી ગયો હોત તો બેન્ગલૂરુ કદાચ જીતી ગયું હોત. એ ઇનિંગ્સમાં મૅચ ફિનિશર તરીકે ટી-20 બૅટરમાં જે ખાસિયતો હોય એ બધી તેનામાં એ સમયે જોવા મળી હતી. કાર્તિક બાવન મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને સાત છગ્ગા તથા પાંચ ચોક્કા ફટકાર્યા હતા. એ ઇનિંગ્સમાં 237.14નો તેનો સ્ટ્રાઇક રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન મુજબનો દર) હતો.
બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણા પ્રેક્ષકો કાર્તિકના નામના બૅનર લઈને આવ્યા હતા. સામાન્ય રીતે ચેન્નઈના ભૂતપૂર્વ સુકાની ધોની માટે ચેપૉકમાં તેના ચાહકો તેને ‘થાલા’ કહીને ઓળખાવા છે. જોકે બેન્ગલૂરુના સ્ટેડિયમના એક બૅનરમાં દિનેશ કાર્તિક માટે લખાયું હતું, ‘ધ રિયલ થાલા…’ એ રીતે, કાર્તિકની તેના ફૅન્સે અનેકગણી વૅલ્યૂ વધારી દીધી કહેવાય.
આપણ વાંચો: IPL 2024: ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિએ RCBને નવા માલિકોને કરી વેચવાની અપીલ
ઑફ સીઝનમાં કાર્તિક કૉમેન્ટરી આપતો હોય છે. સોમવારે બેન્ગલૂરુમાં તેની 83 રનની ઇનિંગ્સ દરમ્યાન કૉમેન્ટરી બૉક્સમાં એવું બોલાતું હતું કે ‘કૉમેન્ટરી બૉક્સમાંના એકેય કૉમેન્ટેટરે તેમની કરીઅર દરમ્યાન કોઈને આ રીતે બૅટિંગ કરતો નથી જોયો.’
એક તરફ કાર્તિક ‘સ્વિચ હિટ’ અને ‘રિવર્સ સ્વીપ’ જેવા શૉટ ફટકારતો જોવા મળ્યો છે અને 205.45ના સ્ટ્રાઇક રેટ સાથે તેણે સાત મૅચમાં કુલ 226 રન બનાવ્યા છે ત્યાં બીજી બાજુ આરસીબીની ટીમ એક પછી એક મૅચ હારી જ રહી છે. કાર્તિકે ખાસ કરીને રવિવારે 11મી એપ્રિલે વાનખેડેમાં બૉલને માત્ર બૅટ અડાડીને બૉલ થર્ડ મૅનની દિશામાંથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દેતો તેનો શૉટ બેનમૂન હતો.
એક સમયે કાર્તિક ઘણા લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાની બહાર હતો. જોકે 2018ની નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં તેણે છેલ્લી ઓવરના અંતિમ બૉલ પર છગ્ગો મારીને ભારતને જે જબરદસ્ત જીત અપાવી હતી એને એકેય ભારત તરફી ક્રિકેટપ્રેમી ભૂલ્યો નહીં હોય.
2022માં આરસીબીએ કાર્તિકને 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી જ કાર્તિકની કરીઅરમાં નવો ટર્ન આવ્યો હતો. તેણે કરોડો રૂપિયાની મૅચ ફીને યોગ્ય સાબિત કરી છે. 2022ની આઇપીએલમાં તેણે 16 મૅચમાં 330 રન બનાવ્યા હતા. ત્યારે તેનો સ્ટ્રાઇક-રેટ 183.33 હતો. એને કારણે જ તેને 2022ના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં આવવા મળ્યું હતું અને હવે 2024ના પર્ફોર્મન્સ બદલ ફરી ટી-20 વિશ્ર્વકપમાં સામેલ થવા મળી શકે એમ છે.
દિનેશ કાર્તિકની કરીઅર પર એક નજર…
(1) 26 ટેસ્ટ, 1025 રન, 57 કૅચ, છ સ્ટમ્પિંગ
(2) 94 વન-ડે, 1752 રન, 64 કૅચ, સાત સ્ટમ્પિંગ
(3) 60 ટી-20, 686 રન, 30 કૅચ, આઠ સ્ટમ્પિંગ
(4) 249 આઇપીએલ મૅચ, 4742 રન, 142 કૅચ, 36 સ્ટમ્પિંગ.