બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ટાઇટલ નથી જીતી શકી અને આ વખતે સાતમાંથી છ મૅચ હારી ચૂકી હોવાથી (સદંતર ફ્લૉપ જઈ રહી હોવાથી) ફરી એકવાર ટ્રોફીથી વંચિત રહેવાની ‘તૈયારી’ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. જોકે આ જ ટીમના ફ્રૅન્ચાઇઝીએ એક કામ બહુ સારું કર્યું છે. આ ફ્રૅન્ચાઇઝીને કારણે બેન્ગલૂરુમાં છેલ્લા બે મહિનાથી પાણીની જે ગંભીર કટોકટી હતી એ હળવી કરી આપી છે.
પીટીઆઇના અહેવાલ મુજબ ઇન્ડિયા કેર્સ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર આરસીબીએ ‘ગો ગ્રીન’ અભિયાન હેઠળ ઇટ્ટગલપુરા લેક તથા સાડેનાહલ્લી લેક ખાતેનું પુન:નિર્માણ કાર્ય પૂરું કર્યું છે અને ક્ધનુર લેક પ્રૉજેક્ટ ખાતે સુવિધાઓનો વધારો કર્યો છે. આ ત્રણેય સરોવર ખાતેના કાર્યો પૂર્ણ થતાં બેન્ગલૂરુમાં પાણીની સમસ્યા થોડી દૂર થઈ છે.
અગાઉ આમાંના કેટલાક સરોવરવાળા પ્રદેશો સુધી કાવેરી નદીનું પાણી નહોતું પહોંચતું અને સત્તાવાળાઓએ માત્ર ઉપલબ્ધ રહેતા વરસાદના પાણી પર જ નિર્ભર રહેવું પડતું હતું. આરસીબી દ્વારા ઇટ્ટગલપુરા લેક તથા સાડેનાહલ્લી લેક ખાતે 1.20 લાખ ટન વધારાની માટી દૂર કરાઈ છે. એ માટીનો ઉપયોગ સરોવરોની આસપાસ બન્ડ્સ અને રસ્તા બનાવવા માટે વાપરવામાં આવી છે. બાવન જેટલા ખેડૂતોએ આ વધારાની માટી પોતાના ખેતરમાં વાપરવા તૈયાર થયા છે.
આરસીબી દ્વારા આ બધા કાર્યો કરવામાં આવતાં ત્રણેય લેકમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા 17 એકર સુધી વધી છે.
ક્ધનુર લેકની આસપાસ ત્રણ પાર્ક ઊભા કરવામાં આવ્યા છે. એમાં એથ્નો-મેડિસિનલ પ્લાન્ટ પાર્ક, બટરફ્લાય પાર્ક, બામ્બૂ પાર્કનો સમાવેશ છે.