આઈસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપે આ બાબતમાં રચ્યો નવો વિક્રમ
ભારત અને ન્યૂ ઝીલેન્ડની મેચની છેલ્લી ઓવરોએ કરી કમાલ
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપની લગભગ અડધી સફર પૂરી થઈ ગઈ છે, ત્યારે આના અડધા રસ્તે ડિજિટલ કન્ઝપ્શનનો રેકોર્ડ તૂટી ગયો છે. 2019માં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપની તુલનામાં આ વર્ષના વન-ડે વર્લ્ડ કપમાં 314 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ ટુર્નામેન્ટ (આઈસીસી ટુર્નામેન્ટ)ની લગભગ અડધી મેચો રમાવાની છે ત્યારે હજુ નવા વિક્રમ નોંધાઈ તો નવાઈ રહેશે નહીં, એમ આઈસીસીએ જણાવ્યું હતું.
22 ઓક્ટોબરના રોજ ટીમ ઈન્ડિયા અને ન્યૂ ઝીલેન્ડ આમને-સામને ટકરાઈ હતી, ત્યારે આ મેચમાં જ્યાં ભારતે ન્યૂ ઝીલેન્ડને હરાવીને 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, ત્યાં દર્શકોએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર પર છેલ્લી ઓવર દરમિયાન લગભગ 43 મિલિયન દર્શકોએ લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણ્યો હતો. જોકે, આઈસીસી ક્રિકેટના તમામ ફોર્મેટનો આ સૌથી મોટો રેકોર્ડ હતો.
આ મુદ્દે આઈસીસીએ જણાવ્યું હતું કે 2019માં આયોજિત વર્લ્ડ કપની તુલનામાં સમાન મંચ પર 2023 વર્લ્ડ કપના આંકડાઓ પર નજર કરીએ તો વિડિયો વ્યૂઝમાં 314 ટકાનો વધારો થયો છે, જ્યારે વેબસાઇટ વપરાશકર્તાઓમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે. સોશિયલ એન્ગેઝમેન્ટની વાત કરીએ તો એમાં 60,000થી વધુ લોકો સંપર્ક બનાવી રાખ્યો હતો, જેમાં 30 ટકા વધારો થયો છે.
જો આપણે રીલ્સની સામગ્રી વિશે વાત કરીએ તો આ વખતે ક્રિકેટના ચાહકોએ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2022ની સરખામણીમાં બમણી સંખ્યામાં રીલ્સ જોયા છે. એના સિવાય મેટા પ્લેટફોર્મ પર આ ઇવેન્ટને ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અનુક્રમે 4 અબજ અને 2.5 અબજ જેટલા વ્યૂઝ મળ્યા છે. આ સાથે આ ટૂર્નામેન્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ ડિજિટલી એન્ગેજ ઈવેન્ટ બની ગઈ છે.
આઈસીસીએ પણ સ્થાનિક ભાષા અને શૈલીમાં તેનું કન્ટેન્ટ તૈયાર કરી રહ્યું છે, જેના કારણે તેની પોસ્ટને ઘણા વ્યૂ મળી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાનો મુંબઈ લોકલ ટ્રેનનો ઉપયોગ કરવાની ટિપ્સ આપતા વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.