ચેન્નઈ-બેન્ગલૂરુની પહેલી મૅચ 16.80 કરોડ ક્રિકેટપ્રેમીઓએ માણી
મુંબઈ: રેકૉર્ડ તો બનતા રહે અને તૂટતા રહે, પરંતુ આ વખતની આઇપીએલમાં 22 માર્ચના પ્રારંભિક દિવસે દર્શકોની સંખ્યાના સંબંધમાં જે વિક્રમી આંકડા નોંધાયા એ કાબિલેદાદ છે. એ દિવસે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, સોનુ નિગમ, એઆર રહમાન તેમ જ કેટલીક અભિનેત્રીઓ અને ડાન્સરો સાથેની ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મૅચ ચેન્નઈ-બેન્ગલૂરુ વચ્ચે રમાઈ હતી જે ટીવી પર 16.80 કરોડ દર્શકોએ જોઈ હોવાનું ટૂર્નામેન્ટના સત્તાવાર બ્રૉડકાસ્ટરે જણાવ્યું છે.
એ પ્રારંભિક દિવસે 1,276 કરોડ મિનિટના વૉચ-ટાઇમનો રેકૉર્ડ પણ નોંધાયો હતો. આઇપીએલની કોઈ પણ સીઝનના પ્રારંભિક દિવસનો આ રેકૉર્ડ છે. વૉચ-ટાઇમ મિનિટો એટલે પ્રત્યેક દર્શકે એ મૅચ જેટલા સમય સુધી જોઈ એની મિનિટોનો (તમામ દર્શકોની કુલ મિનિટોનો) સરવાળો.
આપણ વાંચો: IPL-2024: સતત બીજી હાર બાદ MI’s Captain Hardik Pandyaએ કહ્યું, હા ભૂલ…
ઓપનિંગ દિવસે એક સાથે 6.10 કરોડ દર્શકોએ જીવંત પ્રસારણ માણ્યું હતું અને એ પણ નવો વિક્રમ છે.
આ મૅચમાં ચેન્નઈએ બેન્ગલૂરુને છ વિકેટે હરાવ્યું હતું.
પીટીઆઇના અહેવાલ અનુસાર ડિજિટલ સ્પેસમાં જિયોસિનેમા પર આઇપીએલની 17મી સીઝનના પ્રથમ દિવસની પળો 11.30 કરોડ દર્શકોએ માણી હતી. આ આંકડો 2023ની આઇપીએલના પ્રારંભિક દિવસની તુલનામાં 51 ટકા વધુ છે. જિયોસિનેમા પર આ વખતે પહેલા દિવસે 660 કરોડ મિનિટનો વૉચ-ટાઇમ હતો.