સિધુએ હાર્દિક વિશે બહુ મોટી વાત કરી, આરસીબી કેમ ટ્રોફી નથી જીતતી એનું કારણ પણ આપ્યું
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર નવજોત સિંહ સિધુ ટીવીની દુનિયામાં અને રાજકારણમાં નસીબ અજમાવ્યા પછી ફરી કૉમેન્ટરી બૉક્સમાં ધૂમ બચાવી રહ્યા છે. કરોડો ટીવી-દર્શકોને ફરી કૉમેન્ટરી દરમ્યાન તેમની શેર-શાયરીની મોજ માણવા મળી રહી છે.
સિધુમાં ખેલાડી વિશેની વ્યક્તિગત સમીક્ષા કરવાની અજોડ કાબેલિયત છે. કયા પ્લેયર વિશે તેઓ શું કહે છે એ જાણવા દર્શકોમાં ઇન્તેજારી રહેતી હોય છે.
હાર્દિક પંડ્યા પ્રત્યેનો અમુક વર્ગના પ્રેક્ષકોનો રોષ ઓછો થઈ ગયો જણાઈ રહ્યો છે અને આ બાજુ સિધુએ હાર્દિક વિશે મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.
સિધુએ એક જાણીતી ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે હાર્દિક નજીકના ભવિષ્યમાં ભારતનો વ્હાઇટ બૉલ ટીમ (મર્યાદિત ઓવર્સના ફૉર્મેટ માટેની ટીમ જેમ કે વન-ડે અને ટી-20)નો કૅપ્ટન નિયુક્ત કરાશે. સિધુએ કહ્યું, ‘જુઓ, હું હાર્દિકને ટેસ્ટનું સુકાન સોંપવાની વકીલાત નથી કરતો. રોહિતની ગેરહાજરીમાં આખું વર્ષ હાર્દિકે જ ટી-20 ટીમના નેતૃત્વની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી હતી. ત્યારે વિરાટ પણ ટીમમાં નહોતો. બીસીસીઆઇએ એના પર ઊંડો વિચાર કર્યો છે. મને લાગે છે કે ટી-20 અને વન-ડેની કૅપ્ટન્સી માટે હાર્દિક નૅચરલ ચોઇસ છે.’
આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં કેમ આટલી સફળ છે?: શુભમન ગિલ પ્લાન પરથી પડદો ઊંચકે છે
સિધુએ ટેસ્ટના કૅપ્ટનપદે રોહિતના અનુગામી વિશેની ચર્ચામાં કહ્યું, ‘જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળીને સારા પરિણામો આપી શકે એમ છે. તેણે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટનું સુકાન સંભાળ્યું હતું. તે ડીઝર્વ કરે છે.’
સિધુએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વિશે પણ મોટી વાત કરી હતી. આઇપીએલની આ સીઝનમાં પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકેલી આરસીબીની ટીમનું સુકાન અગાઉ વિરાટ કોહલીના હાથમાં જ હતું. સિધુએ આરસીબીની ટીમમાં કોહલી હોવા છતાં કેમ આ ટીમ ટ્રોફી નથી જીતી શકતી એ વિશે વિચારો વ્યક્ત કર્યા છે. સિધુએ કહ્યું, ‘આરસીબીની ટીમમાં મને એકમાત્ર કોહલી જ લડતો જોવા મળી રહ્યો છે. તેને કોઈનો પણ સાથ નથી મળી રહ્યો.
આ જ કારણસર આરસીબીની હાલત કફોડી રહેતી હોય છે. એક પ્લેયર જ જો બધુ કરી શક્તો હોય તો સુનીલ ગાવસકર અને સચિન તેન્ડુલકરે પણ બધુ કર્યું હોત. આરસીબી પાસે (કૅપ્ટન) ફાફ ડુ પ્લેસી અને ગ્લેન મૅક્સવેલ જેવા ખેલાડીઓ છે, પરંતુ કોઈનો પણ કોહલીને સાથ નથી મળતો.’