સુરક્ષામાં ચૂકઃ કોહલી સાથેની ઘટનાની ગૃહ પ્રધાને લીધી નોંધ, અધિકારીઓ પર તવાઈ
અમદાવાદ: નમો સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક દર્શાવતી ઘટના બની હતી. જેમાં એક યુવક દોડતો આવીને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેલાડીઓ રમતા હતા ત્યાં ઘૂસી આવ્યો હતો, અને તેણે વિરાટ કોહલીને પાછળથી પકડી લીધો હતો. જો કે તે કોઇ નુકસાન કરે તે પહેલા જ સુરક્ષાકર્મીઓ ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને પકડીને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
હવે સમાચાર એ સામે આવ્યા છે કે સુરક્ષા વ્યવસ્થામાં ચૂક બદલ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું છે. સમગ્ર ઘટનાની ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે અને હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ મામલે અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
ગેરકાયદે મેદાનમાં ઘૂસી જનાર યુવકે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેનું નામ વેન જોન્સન છે અને તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે, તેણે પેલેસ્ટાઇનને સમર્થનનો સંદેશ આપવા માટે તથા વિરાટ કોહલીને મળવા માટે ઘૂસી ગયો હતો, એમ તેણે જણાવ્યું હતું. દરમિયાન યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી કોર્ટે તેને એક દિવસના એટલે 21 નવેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો નાગરિક વેન જોન્સન સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં પ્રવેશી ગયો હતો. તેણે ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ લખેલું ટી-શર્ટ પહેરેલું હતું. વેને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને ગળે લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જોકે, સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા અને વેનને પકડીને ચાંદખેડા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં વેન જોન્સને કહ્યું હતું કે આવું કરવા પાછળનો તેનો હેતુ કોહલીને મળવાનો અને પેલેસ્ટાઈન પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરવાનો હતો.