IPL 2024: ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિએ RCBને નવા માલિકોને કરી વેચવાની અપીલ
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)એ પોતાના ખેલાડીઓના ડ્રેસમાં કાળાના સ્થાને બ્લુ રંગ ઉમેર્યો, ટીમના નામમાં બૅન્ગલોરના સ્થાને બેન્ગલૂરુ નામ રાખ્યું એમ છતાં ટીમની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. સાતમાંથી છ ટીમ હારી ચૂકેલી આરસીબીની બૅટિંગ લાઇન-અપમાં વિરાટ, દિનેશ કાર્તિક અને ડુ પ્લેસી સિવાય બીજું કોઈ પર્ફોર્મ નથી કરતું એટલે હવે શું કરવું એ વિશે એના કૅમ્પમાં ચર્ચા-વિચારણા થતી હશે અને નિષ્ણાતો પણ પોત પોતાની રીતે અભિપ્રાયો આપતા હશે. એટલું જ નહીં, ટીમના ચાહકોમાં પણ ઘણા તર્ક-વિતર્કો ચાલતા હશે, પણ દેશના ટોચના ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિએ તેના અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
12 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા ટેનિસ લેજન્ડ ભૂપતિએ સૂચવ્યું છે કે બીસીસીઆઇએ આરસીબીને પોતાનું ફ્રૅન્ચાઇઝી અન્ય કોઈને વેચી દેવાની ફરજ પાડવી જોઈએ.
ભૂપતિનું એવું માનવું છે કે 17 વર્ષમાં એક પણ વાર ટ્રોફી ન જીતી શકનાર આરસીબીને જો નવા માલિકો મળશે તો ટીમના પર્ફોર્મન્સમાં મોટો સુધારો જોવા મળશે.
એક્સ (ટ્વિટર) પર ભૂપતિએ લખ્યું છે, ‘મને લાગે છે કે ક્રિકેટની રમત, આઇપીએલ તેમ જ ટીમના ખેલાડીઓ અને ચાહકોના હિતમાં બીસીસીઆઇએ આરસીબી ફ્રૅન્ચાઇઝી અન્ય કોઈ માલિકને વેચી દેવાની ફરજ પાડવી જોઈએ અને જો એવું થશે તો અન્ય ટીમોના કિસ્સામાં બની ગયું એમ નવા માલિકો આ ફ્રૅન્ચાઇઝીની સારી રીતે સંભાળ લઈને એને ઉપર લાવશે.’
સોમવારે આરસીબી સામે હૈદરાબાદની ટીમે આઇપીએલનો 287 રનનો નવો વિક્રમ રચ્યો હતો. જોકે આરસીબીની ટીમે વળતી લડત આપી હતી અને આ ટીમે સાત વિકેટે 262 રન બનાવ્યા અને ફક્ત પચીસ રનથી એનો પરાજય થયો હતો. અહીં એ જણાવવાનું કે આ જ ટીમના માલિક કિંગફિશરના માલિક વિજય માલ્યા પણ હતા. હાલમાં યુનાઈટેડ સ્પિરિટ ગ્રુપ પાસે માલિકી છે.