નવી દિલ્હી: આઇપીએલની 17મી સીઝન મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે અને ખાસ કરીને રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યા માટે સાવ નિરાશાજનક રહી અને હવે તો આ ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે એટલે બધાનું ધ્યાન આવતા વર્ષની સીઝન પર રહેશે. જોકે એ પહેલાં મોટા પાયે પ્લેયર્સ ઑક્શન યોજાશે અને ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર વીરેન્દર સેહવાગનું એવું માનવું છે કે એમઆઇનું ફ્રૅન્ચાઇઝી રોહિત અને હાર્દિક બન્નેને હરાજી માટે રિલીઝ કરી દેશે.
હાર્દિક માટે એમઆઇની કૅપ્ટન્સી નિરાશજનક રહી, તે ધાર્યા જેવો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ પણ ન બતાવી શક્યો.
રોહિત શર્માએ આ સીઝનમાં શરૂઆત સારી કરી હતી, ચેન્નઈ સામે સદી (105*) ફટકારી હતી અને શુક્રવારે આખરી મૅચમાં 68 રન બનાવ્યા હતા. જોકે એકંદરે ટી-20માં રોહિતનું જોર ઘટતું જોવા મળ્યું છે. આગામી ટી-20 વર્લ્ડ કપ માટે કૅપ્ટન્સી માટે કોઈ મજબૂત દાવેદાર ન હોવાથી રોહિતને સુકાન સોંપાયું હોવાનું મનાય છે.
આ પણ વાંચો: IPL-2024 : અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar)ને છેક 14મી મૅચમાં મળેલો મોકો 14મા બૉલ સુધી સીમિત રહ્યો
સેહવાગનું એવું પણ માનવું છે કે આવતા વર્ષની આઇપીએલ બાબતમાં એમઆઇનું ફ્રૅન્ચાઇઝી પર્ફોર્મન્સની દૃષ્ટિએ માત્ર સૂર્યકુમાર અને બુમરાહ પર ભરોસો રાખી શકે એમ છે.
સેહવાગે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં રોહિત-હાર્દિકના કિસ્સા સાથે બૉલીવૂડને સાંકળી લેતા કહ્યું, ‘જો કોઈ ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન, ત્રણેયનો રોલ હોય તો પણ એ ફિલ્મ હિટ થશે એ નક્કી ન કહી શકાય. આઇપીએલમાં રોહિત અને બુમરાહ સારું રમ્યા, પણ બીજા પર્ફોર્મન્સીઝનું શું?’
બુમરાહે 13 મૅચમાં 20 વિકેટ લીધી જે પંજાબના હર્ષલ પટેલ (22) પછી બીજા નંબરે છે. સૂર્યકુમાર આ સીઝનમાં મોડો રમવા આવ્યો અને તેણે એક સદીની મદદથી 345 રન બનાવ્યા.