લખનઊ: કે. એલ. રાહુલના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હારી ગઈ અને પ્લે-ઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ, હૈદરાબાદના બે બૅટર્સની આતશબાજી વચ્ચે રાહુલને ઇમ્પૅક્ટ પ્લેયર લેવાની સૂઝ પણ નહોતી પડી, રાહુલે હાર્યા પછી હરીફ બૅટર્સના ભરપેટ વખાણ કર્યા અને લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ જાહેરમાં રાહુલનો કથિત ઉધડો લઈ નાખ્યો એ બધુ જોતાં લખનઊની ટીમની કૅપ્ટન્સીની બાબતમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે.
બીજું, 2025ની સાલના મેગા પ્લેયર્સ-ઑક્શનમાં રાહુલને લખનઊના ફ્રૅન્ચાઇઝી દ્વારા રીટેન નહીં કરવામાં આવે એવી સંભાવના પણ ખૂબ ચર્ચાઈ રહી હોવાથી રાહુલ લખનઊની ટીમની આગામી બે મૅચ પહેલાં પોતે જ કૅપ્ટન્સી છોડી દેશે એવી શક્યતા છે.
2022માં ખેલાડીઓની હરાજી પહેલાં લખનઊના ફ્રૅન્ચાઇઝીએ રાહુલને 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કહેવાય છે કે તે દિલ્હી સામેની 14 મેની અને મુંબઈ સામેની 17 મેની આગામી બે મૅચમાં પોતે બૅટિંગમાં સારું પર્ફોર્મ કરી શકે એ માટે પોતે જ સુકાન છોડી દેશે એવું મનાય છે.
આઇપીએલના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે ગુરુવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘લખનઊની દિલ્હી સામેની મૅચ પહેલાં પાંચ દિવસનો ગૅપ છે. અત્યારે તો કોઈ નિર્ણય નથી લેવાયો, પરંતુ એવું મનાય છે કે જો રાહુલ બાકીની બે મૅચ માટેની બૅટિંગ પર જ ધ્યાન આપવા સુકાન છોડી દેવા માગતો હશે તો ટીમના સંચાલકોને કોઈ જ વાંધો નહીં હોય.’
જો રાહુલ કૅપ્ટન્સી છોડી દેશે તો નિકોલસ પૂરનને ટીમનું સુકાન સોંપાશે એવી ચર્ચા છે. આ સીઝનમાં રાહુલના 136.09ના સ્ટ્રાઇક રેટ સામે પૂરનનો 162.05નો સ્ટ્રાઇક રેટ છે.
બુધવારની હૈદરાબાદ સામેની કારમી હાર પછી લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કા કૅપ્ટન રાહુલને ઉગ્ર મિજાજમાં કંઈક કહી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
હૈદરાબાદની જે પિચ પર ટ્રેવિસ હેડ (30 બૉલમાં અણનમ 89) અને અભિષેક શર્મા (28 બૉલમાં અણનમ 75)એ અનુક્રમે 16 અને 19 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી એ જ પિચ પર એ પહેલાં લખનઊની ટીમે મહા મહેનતે ચાર વિકેટે 165 રન બનાવ્યા હતા. એમાં પણ કૅપ્ટન રાહુલે ઓપનિંગમાં રમીને પાવરપ્લેમાં 33 બૉલમાં માત્ર 29 રન બનાવ્યા હતા અને એ પણ લખનઊની હાર માટેના મોટા કારણ તરીકે ગણાવાઈ રહ્યું છે. એવું મનાય છે કે રાહુલના આ ખરાબ પર્ફોર્મન્સ સાથે જ ગોયેન્કાના ગુસ્સાની શરૂઆત થઈ હશે.
રાહુલને આગામી જૂનના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું. સિલેક્ટર્સે વિકેટકીપર-બૅટર તરીકે રિષભ પંત અને સંજુ સૅમસનને ટીમમાં સમાવ્યા છે.
રાહુલે આઇપીએલની વર્તમાન સીઝનમાં 12 મૅચમાં 460 રન બનાવ્યા છે. તે પણ 500 રનનો આંકડો પાર કરી શકે એમ છે, પરંતુ તેનો 136.09નો સ્ટ્રાઇક રેટ લખનઊની ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે.