IPL 2024: કોલકત્તા સામેની મેચમાં ઋષભ પંતને આ કારણસર પડ્યો ફટકો
વિશાખાપટ્ટનમ: દિલ્હી કેપિટલ્સને 16મી આઈપીએલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને સ્લો ઓવર રેટના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દંડ ફટકાર્યો હતો.
વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 272 રન ફટકાર્યા હતા.
જેના જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં સમેટાઈ ગઈ હતી. દિલ્હીની ચાર મેચમાં આ ત્રીજી હાર છે. આ સાથે જ કોલકાતાએ જીતની હેટ્રિક લગાવી છે. ટીમે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે.
આપણ વાંચો: IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…
આ સ્લો ઓવર રેટ બદલ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મામલે આઇપીએલએ એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીની ટીમને કોલકાતા સામેની મેચમાં સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
આઇપીએલએ કહ્યું હતું કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પંત સિવાય ટીમના અન્ય ખેલાડીઓને પણ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. કારણ કે આઇપીએલ સંબંધિત આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં તેની ટીમનો બીજો ગુનો હતો.
આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતને 31 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લો ઓવર રેટના કારણે બોર્ડે આ કાર્યવાહી કરી હતી. હવે પંત પર એક મેચના પ્રતિબંધનો ખતરો છે.