અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ પોપસ્ટાર દુઆ લીપા પર્ફોર્મ કરશે, જો કે આ અંગે ICC/BCCI તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં જ ભારત-ન્યુઝીલેન્ડની સેમી ફાઇનલ મેચ પહેલા સ્ટાર સ્પોર્ટ્સના એક સેગમેન્ટમાં તેણે શુભમન ગીલ, કે.એલ રાહુલ, કેન વિલિઅમ્સન અને મિચેલ સાથે વાતો કરતી જોવા મળી હતી.
આ સેગમેન્ટમાં વાતચીત દરમિયાન દુઆ લીપાએ કહ્યું હતું કે તે વધારે ક્રિકેટ જોતી નથી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે. આ વાતચીત બાદ વર્લ્ડ કપમાં તેના પર્ફોર્મન્સના સમાચારો ફેલાઈ રહ્યા છે.
દુઆ લીપા સાથે વાત કરતા ભારતીય ટીમના ખેલાડી કેએલ રાહુલે એક સવાલ પૂછ્યો હતો. રાહુલે કહ્યું, ‘મેં નંબર 1 જર્સી પસંદ કરી કારણ કે હું દરેક બાબતમાં નંબર 1 બનવા માંગુ છું. લિપા, હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે જો તમને જર્સી નંબર પસંદ કરવાનો મોકો મળે તો તમે કયો નંબર પસંદ કરશો અને શા માટે? તેના જવાબમાં દુઆએ કહ્યું હતું કે ‘હું મારા જર્સી નંબર તરીકે 22 નંબર પસંદ કરવા માંગુ છું કારણ કે તે મારો લકી નંબર છે.’
28 વર્ષની દુઆ લીપા ખૂબ જ પ્રખ્યાત પોપસિંગર છે અને તેણે ખૂબ નાની ઉંમરમાંજ દુનિયાભરમાં ઓળખ મેળવી છે. યુવાનોમાં તેના ગીતો ઘણા લોકપ્રિય છે. તે હાલમાં જ હોલીવુડ ફિલ્મ ‘બાર્બી’માં માટે પણ ગીત બનાવ્યું હતું. તેનું લેટેસ્ટ સિંગલ Houdini પણ લોકપ્રિય થઇ રહ્યું છે.