નવી દિલ્હીઃ ભારતની મેજબાની હેઠળ રમાઈ રહેલા વર્લ્ડકપ-2023ને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈજાથી મોટો ઝટકો લાગ્યો છે. જોકે, વર્લ્ડકપની સેમિફાઈનલ અને ફાઈનલમાં એના પાછા ફરવાની અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ હવે એ આશા પર તો પાણી ફેરવાઈ ચૂક્યું છે. પરંતુ હવે હાર્દિક પંડ્યાને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે સાઉથ આફ્રિકાની ટૂરમાંથી પણ હાર્દિક પંડ્યુનું પત્તું કપાઈ શકે છે.
હાર્દિક પંડ્યાની ઈજાએ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડકપ બાદ શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-20 સિરીઝમાંથી પણ હાર્દિતક પંડ્યા લગભગ બહાર જ છે. હવે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે તે સાઉથ આફ્રિકા સામે રમાનારી સિરીઝમાંથી પણ બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે એની ઈજાને સાજી થવામાં હજી સમય લાગી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો હાર્દિકની ઈજા સાજી થવામાં હજી બે મહિના જેટલો સમય લાગી શકે છે. જોકે, મેડિકલ ટીમ દ્વારા હજી એ બાબતનો નિર્ણય નથી લેવામાં આવ્યો કે હાર્દિકને સર્જરીને જરૂર છે કે નહીં? પરંતુ જો હાર્દિકની ઈજા પર સર્જરી કરવામાં આવશે તો તે પાંચથી છ મહિના પીચથી દૂર રહેશે એ વાત તો ચોક્કસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડકપ-2023ની મેચમાં હાર્દિકને ઈજા પહોંચી હતી અને ત્યારથી તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. તમારી જાણ માટે વર્લ્ડકપ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે તરત પાંચ મેચની ટી-20 સિરીઝ રમાશે અને આ સિરીઝની પહેલી મેચ 23મી નવેમ્બરના વિશાખાપટ્ટનમમાં રમાશે, જ્યારે છેલ્લી મેચ 3જી ડિસેમ્બરના બેંગ્લોરમાં રમાશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે અને જ્યાં 3 ટી-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે અને આ પ્રવાસ 10મી ડિસેમ્બરથી શરૂ થશે.