IPL 2024સ્પોર્ટસ

કોલકાતા (KKR)ના સફળ કોચ ચંદ્રકાન્ત પંડિત (Chandrakant Pandit)ના ચાર વિવાદાસ્પદ કિસ્સા ખરેખર જાણવા જેવા છે!

વરુણ ચક્રવર્તી, ડેવિડ વિસ, આશુતોષ શર્મા અને ગૌરવ યાદવને ‘ચંદુ સર’નો કડવો અનુભવ થઈ ચૂક્યો છે

ચેન્નઈ/કોલકાતા: 1986થી 1992 દરમ્યાન ભારત વતી પાંચ ટેસ્ટ અને 36 વન-ડે રમનાર વિકેટકીપર-બૅટર ચંદ્રકાન્ત પંડિત કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના સફળ હેડ-કોચ છે. કોલકાતાને 2024ની આઇપીએલમાં ચૅમ્પિયન બનાવવામાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ગૌતમ ગંભીરની મેન્ટરશિપ અને સુનીલ નારાયણ તથા મિચલ સ્ટાર્ક સહિતના મુખ્ય ખેલાડીઓના ધમાકેદાર પર્ફોર્મન્સ ઉપરાંત ચંદ્રકાન્ત પંડિતના કોચિંગનો પણ મોટો ફાળો છે.

પંડિતને લગતા ચાર વિવાદ એવા છે જેના પરથી તમને અંદાજ આવશે કે શિસ્તપાલનના આગ્રહી હેડ-કોચનો સફળ ખેલાડીઓ સાથે આવો પણ વ્યવહાર હોય છે.

આ વખતે આઇપીએલમાં 21 વિકેટ લઈને (24 વિકેટ લેનાર પંજાબના હર્ષલ પટેલ પછી) બીજો નંબર મેળવનાર કોલકાતાના સ્પિનર વરુણ ચક્રવર્તી અને પંડિત વચ્ચેની એક ઘટનાથી શરૂઆત કરીએ. ત્યાર પછી પંડિતને સ્પર્શતા બીજા ત્રણ કિસ્સા વિશે પણ વિગતમાં જાણીશું….

આ પણ વાંચો: IPL-2024 : આજે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH): કોની સામે કયા હરીફ ખેલાડીની ટક્કર સૌથી રોમાંચક બની શકે?

(1) કોલકાતાની ટીમના ખેલાડી નારાયણ જગદીશને એપ્રિલ, 2024માં (આઇપીએલની શરૂઆતના બીજા અઠવાડિયે) હેડ-કોચ ચંદ્રકાન્ત પંડિતે સ્પિનર વરુણ ચક્રવર્તી સાથે 2023ની આઇપીએલ-સીઝનમાં જે કર્યું એ ઘટનાની વિગત શૅર કરી હતી. પંડિત ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં (ખાસ કરીને મધ્ય પ્રદેશની ટીમના કોચ તરીકે) ઘણી સફળતાઓ મેળવી ચૂક્યા હતા એટલે શાહરુખ ખાન, જૂહી ચાવલા તથા તેના પતિ જય મહેતાની માલિકીના કેકેઆર ફ્રૅન્ચાઇઝીએ 62 વર્ષીય પંડિતને હેડ-કોચ તરીકે નીમ્યા હતા અને પછી 2024ની સીઝનમાં તેમને રીટેન કર્યા હતા.

કડક શિસ્તપાલન માટે જાણીતા પંડિતની કોચિંગને લગતી પધ્ધતિઓ ઘણા સમયથી ચર્ચામાં રહી છે. પ્લેયર જગદીશને ગયા મહિનાની ત્રીજી તારીખે કેકેઆરની દિલ્હી સામેની મૅચ વખતે જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર ઘટસ્ફોટ કરતા કહ્યું હતું, ‘ગયા વર્ષે (2023ની સીઝનમાં) કેકેઆરના કૅમ્પમાં કોચ ચંદ્રકાન્ત પંડિતે એક દિવસ સ્લીવલેસ-ડે તરીકે જાહેર કર્યો હતો, પરંતુ એ દિવસે વરુણ ચક્રવર્તી અકસ્માતે ફૂલ સ્લીવનું ટી-શર્ટ પહેરીને કૅમ્પમાં આવ્યો હતો.

પંડિતે તેને બાજુ પર બોલાવીને કાતરથી તેના ટી-શર્ટની બાંય કાપી નાખી હતી.’ અહીં ઉલ્લેખનીય છે કે 2023ની સીઝનમાં કેકેઆર પૉઇન્ટ્સ-ટેબલમાં છેક સાતમા નંબર પર રહ્યું હતું. ત્યારે કેકેઆરની ટીમ છ મૅચ જીતી હતી અને આઠ મૅચ હારી ગઈ હતી. એ સીઝનમાં કેકેઆરના 12 પૉઇન્ટ હતા, જ્યારે આ વખતે હાઇએસ્ટ 20 પૉઇન્ટ મેળવીને આ ટીમ ત્રીજી વાર ચૅમ્પિયન બની ગઈ. આ વખતે ગૌતમ ગંભીર ટીમનો મેન્ટર હતો.

(2) 2023ની સીઝન કોલકાતાના ખેલાડીઓ માટે ભૂલી જવા જેવી ખરાબ હતી જ, ચંદ્રકાન્ત પંડિતના કડક શિસ્તપાલનથી પણ પ્લેયર્સ થોડા ડિસ્ટર્બ્ડ હતા. ત્યારે મુખ્ય કૅપ્ટન શ્રેયસ ઐયર ઈજાને લીધે ન રમ્યો હોવાથી નીતિશ રાણાને સુકાન સોંપાયું હતું. ઑલરાઉન્ડર ડેવિડ વિસ અગાઉ સાઉથ આફ્રિકા વતી રમ્યા બાદ હવે નામિબિયા વતી રમે છે.

વિસને એ સીઝનમાં ત્રણ જ મૅચ રમવા મળી હતી. કડક હેડમાસ્ટર જેવા પંડિત ડ્રેસિંગ-રૂમમાં કેટલા બધા કડક હોય છે એની વાત ડેવિડ વિસે તાજેતરમાં એક મુલાકાતમાં કરી હતી. હેડ-કોચ તરીકે બ્રેન્ડન મૅક્લમના સ્થાને નીમાયેલા પંડિત વિશે ડેવિડ વિસે કહ્યું, ‘2023ની આખી સીઝનમાં કોલકાતાની ટીમના ડ્રેસિંગ-રૂમમાં કંઈકને કંઈક ઘટના બનતી જ રહી હતી.

આ પણ વાંચો: IPL-2024 : અર્શદીપ સિંહે (Arshdeep Singh) ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ના મમ્મીને ખાસ વિનંતી કરી અને બહેને વીડિયો શૅર કર્યો

ખેલાડીઓ તેમની પધ્ધતિને લગતી કેટલીક બાબતોથી ખુશ નહોતા. ઘણી વાર ચૅન્જિંગ રૂમમાં રહેવું ખેલાડીઓ માટે કઠિન બની જતું હતું. પંડિતની કોચિંગ-સ્ટાઇલ ‘ઉગ્ર’ છે અને તેઓ (ગમે એ દેશનો ખેલાડી હોય) તેના પર પોતાની સત્તા જમાવવામાં માનતા હતા. તેમની કોચિંગ-સ્ટાઇલ મિલિટન્ટ ટાઇપની હતી.

તેમની એ સ્ટાઇલ વિદેશી ખેલાડીને માફક ન પણ આવે. વિશ્ર્વભરમાં રમીને કોલકાતાની ટીમમાં આવેલા ખેલાડીઓએ કેવી રીતે વર્તવું અને શું પહેરવું-શું ન પહેરવું એવી સૂચના તેમને કોઈ આપે એ ઠીક ન કહેવાય. હું તો હજી તેમની સૂચનાઓ સહન કરી લેતો હતો, પરંતુ બીજા અમુક ખેલાડીઓને તેમની (પંડિતની) કડક શિસ્તપાલનની પધ્દતિ જરાય પસંદ નહોતી.’

(3) આ વખતની આઇપીએલમાં ઘણી મૅચોમાં ફટકાબાજીથી ધમાલ મચાવનાર પંજાબ કિંગ્સના મિડલ-ઑર્ડર બૅટર આશુતોષ શર્માનો ચંદ્રકાન્ત પંડિતને લગતો એક જૂનો ઇન્ટરવ્યૂ ગયા મહિને વાઇરલ થયો હતો. આશુતોષ અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટમાં રેલવે વતી રમ્યો હતો અને તેણે 11 બૉલમાં 50 રન પૂરા કરીને ટી-20 ફૉર્મેટમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો યુવરાજ સિંહનો 12 બૉલનો વિક્રમ તોડ્યો હતો.

આશુતોષે 2018માં મધ્ય પ્રદેશ વતી ટી-20 ડેબ્યૂ કર્યું હતું અને 2019માં એ રાજ્ય વતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. ચંદ્રકાન્ત પંડિત ત્યારે મધ્ય પ્રદેશના હેડ-કોચ બન્યા હતા અને આશુતોષ ત્યારે તેમની પસંદગીના ખેલાડીઓમાં નહોતો. ત્રણ સીઝન સુધી આશુતોષને નહોતું રમવા મળ્યું. ખુદ આશુતોષે તાજેતરમાં મુલાકાતમાં કહ્યું, ‘મેં મધ્ય પ્રદેશ વતી છેલ્લી ઇનિંગ્સમાં 84 રન બનાવ્યા હતા, પરંતુ પંડિતની કામ કરવાની પધ્ધતિને કારણે તેઓ મને એકેય ફૉર્મેટ માટેની ટીમમાં ઇચ્છતા નહોતા.

મારા માટે એ દિવસો બહુ કઠિન હતા. મને મારા બાળપણના કોચ ભુપેન ચૌહાણે સપોર્ટ કર્યો હતો. જોકે ગઈ સીઝનમાં તેમનું દેહાંત થયું અને પછી મેં રેલવે વતી રમવાનું શરૂ કર્યું હતું.’

(4) રણજી ટ્રોફીની વીતેલી સીઝનની આ વાત છે. પેસ બોલર ગૌરવ યાદવ પોંડિચેરીનો સ્ટાર ક્રિકેટર છે. રણજીની પહેલી મૅચમાં તેણે દિલ્હી સામે 49 રનમાં સાત વિકેટ લીધી હતી. ગૌરવ અગાઉ મધ્ય પ્રદેશની ટીમનો રેગ્યુલર પ્લેયર હતો, પરંતુ વ્હાઇટ બૉલની મૅચો રમવાની ઓછી તક મળવાને લીધે તેમ જ કોચ ચંદ્રકાન્ત પંડિતને તે પસંદ ન હોવાથી તેણે બીજા વિકલ્પો ચકાસવા પડ્યા હતા.

2019-’20માં વિજય હઝારે ટ્રોફીની નવ મૅચમાં ગૌરવે 23 વિકેટ લીધી હતી અને તે તમામ રાજ્યોની ટીમોમાં નંબર-વન બોલર હતો. જોકે 2023માં તે મધ્ય પ્રદેશની ટીમમાં છેક ‘16મો પ્લેયર’ બનાવવામાં આવ્યો હતો. ગૌરવે એક મુલાકાતમાં કહ્યું, ‘મેરા સહી નહીં ચલ રહા થા કોચ સે તો મૈને ડિસિઝન લે લિયા ઇધર આને કા. ચંદુ સર મધ્ય પ્રદેશના કોચ બન્યા એ પહેલાં હું એ રાજ્યની ટીમનો હાઇએસ્ટ વિકેટ-ટેકર હતો.

ચંદુ સરે મને વ્હાઇટ-બૉલ ક્રિકેટ (ચાર-પાંચ દિવસની મૅચ)ના સેટ-અપની સાવ બહાર કરી નાખ્યો હતો.’ જોકે ભારતીય ઑલરાઉન્ડર અને મધ્ય પ્રદેશ વતી તેની સાથે રમી ચૂકેલા વેન્કટેશ ઐયરે પોંડિચેરી ટીમના મૅનેજમેન્ટને ગૌરવના નામની ભલામણ કરી હતી અને છેવટે તરત જ તેને પોંડિચેરીની ટીમમાં ત્રીજા પ્રોફેશનલ પ્લેયર તરીકે સમાવી લેવામાં આવ્યો હતો. જોકે ગૌરવે મુલાકાતમાં કહ્યું, ‘હું મધ્ય પ્રદેશ વતી ઘણું સારું રમતો હતો, પણ કોચ પંડિત તરફથી સતત ટકોર થયા કરતી હોવાથી મધ્ય પ્રદેશની ટીમમાં જ રહેવું મારા માટે શક્ય નહોતું.

મધ્ય પ્રદેશની ટીમ છોડીને પોંડિચેરીની ટીમમાં જવાનો નિર્ણય મારા માટે ખૂબ ટફ હતો, કારણકે મારે મારું રાજ્ય (2022ની ચૅમ્પિયન ટીમ) છોડીને રમવા માટે બીજે સ્થાયી થવાનું હતું. મધ્ય પ્રદેશ વતી ત્યારે મેં સૌથી વધુ વિકેટ લીધી હતી અને ચૅમ્પિયન બનતાં પહેલાં ફાઇનલમાં છ વિકેટ લીધી હતી. જોકે ચંદુ સર મને ત્યારે સીધું જ કહી દેતા હતા કે અબ તેરે કો નહીં ખિલાયેંગે.’

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગૌરવ યાદવ અગાઉ મધ્ય પ્રદેશની ટીમમાં હતો ત્યારે ચેન્નઈની ટીમ (સીએસકે)ના રડારમાં આવ્યો હતો, પરંતુ ટ્રાયલ માટે તેને વારંવાર સીએસકે તરફથી વિનંતી થવા છતાં કોચ ચંદ્રકાન્ત પંડિત કે મધ્ય પ્રદેશ સ્ટેટ અસોસિયેશન તરફથી મંજૂરી નહોતી મળી.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button