રાંચી: ભારતીય વિકેટકીપર અને દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતને 2022માં કાર-અકસ્માત નડ્યો ત્યાર પછી તે રમી નથી શક્યો અને હવે બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ પહેલાં ફુલ્લી ફિટ થઈ જવાની સંભાવના છે. તેના કમબૅકનો ઇન્તેજાર હજી પૂરો નથી થયો ત્યાં આઇપીએલના જ બીજા એક ખેલાડીને અકસ્માત નડ્યો છે.
મૂળ ઝારખંડનો અને ગુજરાત ટાઇટન્સ (જીટી)નો વિકેટકીપર-બૅટર રૉબિન મિન્ઝ શનિવારે રાંચીના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કર્યા પછી ઘરે પાછા જવા નીકળ્યો ત્યારે તેની બાઇક બીજી બાઇક સાથે ટકરાઈ હતી. તેના પિતા ફ્રાન્સિસ ઝેવિયરે કહ્યું, ‘રૉબિનને ખાસ કંઈ ઈજા નથી થઈ. નસીબજોગે, તે બચી ગયો છે. તેને હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.’
21 વર્ષના રૉબિન મિન્ઝને ગુજરાત ટાઇટન્સના ફ્રૅન્ચાઇઝીએ 2024ની આઇપીએલ માટે 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રૉબિન મિન્ઝ આદિવાસી સમાજનો છે. તે આક્રમક અપ્રોચ સાથે રમતો વિકેટકીપર-બૅટર છે. તે આક્રમક ફટકાબાજી કરવા બદલ ‘ઝારખંડના ક્રિસ ગેઇલ’ તરીકે ઓળખાય છે અને એમએસ ધોનીનો ફૅન છે. તેના પિતા ફ્રાન્સિસ ઝેવિરયર ભારતીય લશ્કરના નિવૃત્ત સૈનિક છે અને હાલમાં રાંચી ઍરપોર્ટ પર સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે. તાજેતરમાં તેઓ રાંચીના ઍરપોર્ટ પર ગુજરાત ટાઇટન્સના નવા કૅપ્ટન શુભમન ગિલને મળ્યા હતા.