Chennai Super Kingsને ઝટકોઃ IPLમાંથી ઓપનર બેટરની Exit

ચેન્નઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2024) અગાઉ જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને મોટો ઝટકો લાગ્યો હતો. ચેન્નઇનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે આઇપીએલ 2024માંથી બહાર થઇ ગયો છે. કોનવે હાથના અંગૂઠાની સર્જરી કરાવશે.
ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટે આજે મહત્ત્વની અપડેટ આપતા કહ્યું હતું કે સ્ટાર ઓપનર ડેવોન કોનવે ઈજાગ્રસ્ત છે અને તેને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા આઠ અઠવાડિયા લાગશે. આવી સ્થિતિમાં તે ઓછામાં ઓછા આઠ અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે. કોનવે ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર છે.
ન્યૂ ઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું હતું કે ‘કોનવેના અંગૂઠાના સાંધામાં ફ્રેક્ચર છે અને આ અઠવાડિયે તેનું ઓપરેશન કરવામાં આવશે. તે આઠ અઠવાડિયામાં ફિટ થશે તેવી આશા છે.
ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 મેચ દરમિયાન કોનવેને ઈજા થઈ હતી. આ અઠવાડિયે તેના ડાબા અંગૂઠા પર સર્જરી કરવામાં આવશે અને તેને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા આઠ અઠવાડિયા લાગશે. આઈપીએલ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને પ્રથમ મેચમાં ચેન્નઈનો સામનો બેગ્લોર સામે થશે.
2022ની હરાજીમાં કોનવેને ચેન્નઈએ 1 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. ગયા વર્ષે તેણે 16 મેચમાં 672 ફટકાર્યા હતા અને તે ટીમનો સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. આ સાથે તે આઇપીએલ 2023ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો.