આનંદોઃ શુભમન ગિલને લઈને આવ્યા ગૂડ ન્યૂઝ
વર્લ્ડ કપ- 2023ને લઇને દેશભરમાં ક્રિકેટફીવર જામ્યો છે ત્યારે તમામ ક્રિકેટ રસિકોને એ જાણવામાં રસ છે કે આખરે શુભમન ગિલની સ્થિતિ શું છે, તે આગામી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમી શકશે કે નહિ. ત્યારે આ અંગે ભારતીય ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર MSK પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે.
‘શુભમન આગામી મેચમાં ચોક્કસ રમશે’- ટીમ ઇન્ડિયાના પૂર્વ ચીફ સિલેક્ટરે MSK પ્રસાદે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ પણ ભારત-પાકની મેચને લઇને શુભમન ગિલ અમદાવાદ તો પહોંચી જ ગયો છે એટલે કદાચ તેની સ્થિતિ સુધરે તો તે મેદાનમાં આવીને ફરીવાર ધડબડાટી બોલાવે તે બિલકુલ શક્ય છે.
વર્લ્ડકપ 2023 પહેલા જ ગિલને ડેન્ગ્યુ થયો હતો અને આ જ કારણે તેણે શરૂઆતની બંને મેચ ગુમાવી હતી. ગિલના સ્થાને ઈશાન કિશને રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શરુઆત કરી હતી. શુભમન ગિલ ચેન્નઈથી અમદાવાદ સીધો જ પહોંચ્યો હતો અને તેણે ગઈકાલે એક કલાક સુધી નેટ પ્રેક્ટિસ કરી હતી. પૂર્વ ચીફ સિલેક્ટર MSK પ્રસાદનું માનવું છે કે ગિલ એક કલાક સુધી નેટમાં બેટિંગ કરી શકે છે તો તે સંપૂર્ણ રીતે ફીટ છે અને તે પાકિસ્તાન સામેની મેચમાં રમી શકે છે.
મેચને લઇને અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. મિલિટરી-પેરામિલિટરી ફોર્સ શહેરમાં તૈનાત કરી દેવાઇ છે. ટેથર્ડ ડ્રોન, એન્ટી ગન ડ્રોન સહિત સેંકડો બોડી વોર્ન કેમેરાથી નજર રખાશે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં 150 અધિકારી અને 5 હજાર પોલીસ જવાનો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. તેમજ 1 DIG, 13 DCP, 18 ACP, 56 PI, 117 PSI હાજર રહેશે.