રોહિતનો ચાહક મેદાન પર દોડી આવ્યો, પણ જો હાર્દિકને મારવા કોઈ તોફાની આવી ગયો હોત તો?
બેન્ગલૂરુના મેદાન પછી વાનખેડેમાં ખેલાડીઓની સલામતીમાં ગંભીર કચાશ
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે રોહિત શર્માની તરફેણમાં લોકોનો ઉત્સાહ સ્વાભાવિક રીતે પ્રચંડ હતો, પણ વાત ત્યાં જ નહોતી અટકી. ઘણા લોકો ખાસ ઉમળકા સાથે તેની બૅટિંગ જોવા આવ્યા હતા. તે પોતાના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો અને ગોલ્ડન ડક તેના નામે લખાઈ ગયો એનાથી તેના એકેએક ફૅનને આઘાત લાગ્યો હશે, પણ તે ફીલ્ડિંગમાં હતો ત્યારે જે બન્યું એનાથી લોકો રોહિત બાબતમાં ખૂબ ચિંતિત થયા જ હશે.
ઘટના એવી હતી જેમાં રોહિત પાસે એક યુવા પ્રેક્ષક દોડી આવ્યો હતો અને થોડો ગભરાટ ફેલાઈ ગયો હતો.
મુંબઈની ટીમે માત્ર 125 રન બનાવ્યા પછી રાજસ્થાનની ટીમ 126 રનનો ટૂંકો લક્ષ્યાંક મેળવવા આગળ વધી રહી હતી ત્યારે એક પ્રેક્ષક પિચ સલામતી કવચ ભેદીને પિચ સુધી દોડી આવ્યો હતો.
રોહિતનો એ ફૅન વાનખેડેના મેદાન ફરતે બનાવવામાં આવેલી ફૅન્સ કૂદીને ઝડપથી દોડીને સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહેલા રોહિત સુધી પહોંચી ગયો હતો. રોહિત ત્યારે ફીલ્ડિંગ બાબતમાં કોઈને કંઈક સૂચના આપી રહ્યો હતો. પાછળથી (પ્લેયર્સ ડ્રેસમાં વગરના) સાદા કપડામાં અચાનક કોણ દોડી આવ્યું એવા ગભરાટના ભાવ સાથે રોહિત કૂદી પડ્યો હતો.
જોકે બીજી પળે યુવાન તેની વધુ નજીકમાં પહોંચ્યો અને તેને ભેટવા ગયો હતો. રોહિતે ખચકાટ સાથે તેને ભેટવા દીધો હતો. રોહિતને એ યુવાન ભેટ્યો ત્યાર પછી રોહિત સાથે હાથ મિલાવવા તેણે સાથે હાથ લાંબો કર્યો હતો અને રોહિતે હાથ મિલાવ્યા પછી તેને મેદાન પરથી જતા રહેવા કહ્યું હતું. જોકે એ યુવાન વિકેટકીપર ઇશાન કિશન પાસે ગયો અને તેની સાથે પણ હાથ મિલાવ્યા પછી તેને ભેટ્યો હતો.
આ આઘાતજનક દૃશ્ય જોઈને કેટલાક ક્રિકેટચાહકોમાં ચર્ચા હતી કે રોહિતને ભેટવા આવેલા તેના ક્રેઝી ચાહકવાળી આ ઘટના નહોતી બનવી જોઈતી, પણ જો કોઈ હાર્દિક પંડ્યા વિરોધી ક્રિકેટપ્રેમી મેદાન સલામતી કવચ તોડીને મેદાન પર હાર્દિક પાસે દોડી આવ્યો હોત અને ગુસ્સામાં હાર્દિકને લાફો મારી દીધો હોત તો?
રોહિત પાસે દોડી આવેલા ફૅનની વાત પર ફરી આવીએ તો એ યુવાને રોહિત-કિશનને ભેટીને બહુ મોટી સિદ્ધિ મેળવી હોય એ રીતે પોતાના કોઈ સાથીને સંકેત આપી રહ્યો હોય એ રીતે હાથ ઉપર કરીને સેલિબ્રેશન કર્યું હતું. સલામતી રક્ષકો તેને પકડવા દોડી આવ્યા ત્યારે તેણે ભાગવાની કોશિશ પણ નહોતી કરી. રક્ષકો તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા.
આઇપીએલ-2024માં કોઈ ક્રિકેટક્રેઝી સલામતી કવચ તોડીને મેદાન પર દોડી આવ્યો હોય એવી આ બીજી ઘટના છે. ગયા અઠવાડિયે બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેન્ગલૂરુ અને પંજાબ વચ્ચેની મૅચ દરમ્યાન એક યુવાન વિરાટ કોહલી પાસે દોડી આવ્યો હતો. સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે સલામતી રક્ષકો એ યુવાનને મેદાનની બહાર લઈ ગયા ત્યાર બાદ તેને માર્યો હતો.