સ્પોર્ટસ

ભારતની નવી ટેસ્ટ ટીમમાં આટલા ઑલરાઉન્ડર, ફાસ્ટ બોલર અને સ્પિનર…

મોહમ્મદ શમી વિશે ડોક્ટરોએ જ સિલેક્ટરોને કહ્યું કે...

મુંબઈઃ આગામી 20મી જૂને ઇંગ્લૅન્ડ (England)માં શરૂ થનારી પાંચ મૅચની સિરીઝ સાથે ભારત (India)ની ટેસ્ટ ટીમ (Test Team)નો પરિવર્તનકાળ શરૂ થશે અને એ નવી ટીમનું સુકાન શુભમન ગિલને સોંપવામાં આવ્યું છે. તેને 18 ખેલાડીઓની એવી ટેસ્ટ ટીમ સોંપવામાં આવી છે જેમાં બહુ ઓછા અનુભવી ખેલાડીઓ અને નવા તથા યુવા ખેલાડીઓ સામેલ છે.

પચીસ વર્ષના શુભમન ગિલને 32 ટેસ્ટ મૅચના 59 દાવનો અનુભવ છે. વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને તેના ડેપ્યૂટી તરીકે નીમવામાં આવ્યો છે. તેને 43 ટેસ્ટની 75 ઇનિંગ્સનો અનુભવ છે. ભારતની નવી ટેસ્ટ ટીમમાં કુલ ચાર ઑલરાઉન્ડર, પાંચ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર અને એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર છે.

ચાર ઑલરાઉન્ડર (બે સ્પિન, બે પેસ)માં રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને નીતીશ કુમાર રેડ્ડીનો સમાવેશ છે. પાંચ ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહ સામેલ છે. કુલદીપ યાદવ ટીમમાં એકમાત્ર વિશિષ્ટ સ્પિનર છે.

ભારતની નવી ટેસ્ટ ટીમમાં ટૉપ-ઑર્ડરનો બૅટ્સમૅન કરુણ નાયર અને ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર કમબૅક કરી રહ્યા છે, જ્યારે ઓપનર સાઇ સુદર્શન તથા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલી વાર ટેસ્ટ રમવાનો મોકો અપાયો છે. શાર્દુલ ભારત વતી છેલ્લે ડિસેમ્બર 2023માં રમ્યો હતો.

ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ પાંચેય ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં રહી શકે એવું ફિઝિયોથેરપિસ્ટ અને ડૉક્ટરોએ જ અમને કહ્યું હોવાનું ખુદ ચીફ સિલેક્ટર અજિત આગરકરે શનિવારે મુંબઈમાં પત્રકારોને કૅપ્ટન અને ટીમની જાહેરાત વખતે જણાવ્યું હતું.

અજિત આગરકર અને તેમની સિલેક્શન કમિટીએ શનિવારે બપોરે મુંબઈમાં બીસીસીઆઇના હેડ ક્વૉર્ટરમાં ટીમ પસંદ કરવા વિશેની મીટિંગ રાખ્યા બાદ નવા કૅપ્ટન અને નવી ટીમની જાહેરાત કરી હતી. આગરકરે કહ્યું હતું કે ` ભારતની ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જગ્યા કોઈ લે એ મુશ્કેલ તો છે, પણ અમને આશા છે કે ઇંગ્લૅન્ડ ખાતેની આગામી ટેસ્ટ સિરીઝમાં અન્ય ખેલાડીઓ તકનો લાભ લઈને ખૂબ સારું રમશે.’

પેસ બોલર મોહમ્મદ શમીની બાદબાકી સૌથી વધુ ચર્ચામાં છે. ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-શ્રેણી છેક ઑગસ્ટ સુધી ચાલશે અને એટલી લાંબી ટૂર સિલેક્ટરોને શમી પૂર્ણપણે ફિટ નહોતો લાગ્યો એટલે તેને 18 ખેલાડીની ટીમમાં સામેલ નથી કર્યો.

આગરકરે પત્રકારોને કહ્યું હતું કે ` શમીને ફિટનેસની થોડી સમસ્યા છે. ગયા અઠવાડિયે એક એમઆરઆઇ સ્કૅન કરાવ્યું હતું. મારે ખાસ કહેવું જોઈએ કે તે ઇંગ્લૅન્ડમાં પાંચેય ટેસ્ટમાં રમી શકે એવી સ્થિતિમાં નહોતો. બીસીસીઆઇની મેડિકલ ટીમે જ અમને કહ્યું કે શમી પૂર્ણપણે ફિટ નથી.’

સિલેક્ટરોએ સરફરાઝ ખાનને બદલે અનુભવી કરુણ નાયરને ટીમમાં સમાવ્યો છે. રિઝર્વ ઓપનર તરીકે અભિમન્યુ ઈશ્વરનને 18 ખેલાડીની ટીમમાં સામેલ કરાયો છે. જોકે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ફરી ટીમમાં નથી લેવામાં આવ્યો.

ભારતની ટેસ્ટ-ટીમઃ

શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

આ પણ વાંચો….બુમરાહે બીસીસીઆઈને કહી દીધું છે કે ‘ ઇંગ્લૅન્ડમાં હું…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button