એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કોને મળશે સ્થાન! જુઓ સંભવિત સ્ક્વોડ

મુંબઈ: ઇગ્લેન્ડ પ્રવાસ ખતમ થયા બાદ ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપ T20 2025 ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે, આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરુ થશે. ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કેવી રહેશે તેના વિષે અટકળો લાગી રહી છે.
એશિયા કપ T20 2025 દરમિયાન ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરશે. અક્ષર પટેલ હાલમાં ભારતની ટી20 ટીમનો વાઈસ-કેપ્ટન છે, પરંતુ એવા આહેવાલો છે કે કદાચ શુભમન ગિલને વાઈસ-કેપ્ટન બનાવવાનાં આવી શકે છે.
ટીમનો મજબુત ટોપ ઓર્ડર:
ICCની T20 રેન્કિંગમાં અભિષેક શર્મા વિશ્વનો નંબર 1 બેટર છે. સંજુ સેમસને ગત T20 સિઝનમાં બેટિંગ અને વિકેટકીપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓનું ટીમમાં સ્થાન લગભગ નિશ્ચિંત જ છે. તિલક વર્મા અને શુભમન ગિલ પણ હાલ સારા ફોર્મમાં છે, તે બંને ટીમમાં હોવાથી ટોપ ઓર્ડર મજબુત બનશે.
વિકેટકીપર અને ઓલરાઉન્ડર:
સંજુ ટીમનો ફર્સ્ટ વિકેટકીપર રહેશે જ્યારે સેકંડ વિકેટ કિપર તરીકે જીતેશ શર્મા અથવા ધ્રુવ જુરેલ બંનેમાંથી એકને ટીમમાં સ્થાન મળી શકે છે. ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા હશે એ પણ લગભગ નક્કી છે. મિડિયમ પેસર ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાં સ્થાન મળી શકે છે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્પિન બોલર ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવી શકે છે.
બોલિંગ એટેક:
અહેવાલ મુજબ ભારતનો અનુભવી ધુરંધર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ T20 માટે ફીટ છે, સારા ફોર્મમાં ચાલી રહેલા પેસર અર્શદીપ સિંહને પણ સ્થાન મળી શકે છે. જ્યારે ત્રીજા ફાસ્ટ બોલર માટે હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણમાંથી પસંદગી કરવામાં આવશે. સ્પિન વિભાગમાં અનુભવી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને સ્થાન મળી શકે છે.
આ ખેલાડીઓને સ્થાન નહીં મળે!
ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો નીતિશ કુમાર રેડ્ડી એક મહિનામાં ફિટ થાય એવી શક્યતા ઓછી છે. મોહમ્મદ સિરાજને એશિયા કપ T20 ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને કેએલ રાહુલ પણ આ ટુર્નામેન્ટમાં સામેલ નહીં હોય.
આવી હોઈ શકે છે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા/પ્રસિદ્ધ કૃષ્ણા, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા/ધ્રુવ જુરેલ.
આ પણ વાંચો…યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે