ભારતના હાથમાંથી હૉકીનો ગોલ્ડ છીનવી લેવાયો?
આવતી કાલે બ્રોન્ઝ માટે ભારત-સ્પેન વચ્ચે મુકાબલો

પૅરિસ : પૅરિસ ઑલિમ્પિક્સમાં મંગળવારે હૉકીની ભારત સામેની સેમિ ફાઇનલમાં જર્મનીને જે પેનલ્ટી સ્ટ્રૉક આપવામાં આવ્યો હતો એના પર વિવાદ થયો છે. જર્મનીને આ પેનલ્ટી સ્ટ્રૉક આપીને ભારતના હાથમાંથી ગોલ્ડ અથવા સિલ્વર મેડલ છીનવી લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
કવૉર્ટર ફાઇનલમાં ભારતના મુખ્ય ડિફેન્ડર અમિત રોહીદાસને ખોટી રીતે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું અને વર્લ્ડ ચેમ્પિયન જર્મની સામેની સેમિ ફાઇનલમાં રમવાની તેને મનાઈ કરવામાં આવી એ વાતે વિવાદ હજી ઠંડો નહોતો પડ્યો ત્યાં મંગળવારે ભારતે ખરાબ અમ્પાયરિંગને કારણે ફાઇનલનો પ્રવેશ ગુમાવવો પડ્યો એવો આક્ષેપ થયો છે.
આ સેમિ ફાઇનલમાં ભારતનો 2-3થી પરાજય થયો હતો.
હાફ ટાઈમ વખતે જર્મની 2-1થી આગળ હતું. એમાં જર્મનીએ બીજો ગોલ પેનલ્ટી સ્ટ્રૉકમાં કર્યો હતો. ભારતનો દાવો હતો કે પેનલ્ટી એરિયામાં થયેલી રસાક્સીમાં બૉલ જરમનપ્રીત સિંહની હૉકી સ્ટિકને વાગ્યો હતો, પરંતુ જર્મન ટીમે કહ્યું કે બૉલ જરમનપ્રીતના પગને વાગ્યો હોવાથી તેમને પેનલ્ટી સ્ટ્રૉક મળવો જ જોઈએ. ટીવી અમ્પાયરે જર્મનીની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને જર્મન ખેલાડી ક્રિસ્ટોફરે પેનલ્ટી સ્ટ્રૉકમાં ગોલ કરી દીધો હતો.
ભારતના ભૂતપૂર્વ હૉકી ખેલાડી વિરેન રાસ્કિનાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે મહિલા વીડિયો અમ્પાયરનું અમ્પાયરિંગ બહુ જ ખરાબ હતું. બૉલ જરમનપ્રીતના પગને વાગ્યો હોવાનું પુરવાર થયું જ નહોતું તો પછી પેનલ્ટી સ્ટ્રૉક શા માટે અપાયો?
સોશિયલ મીડિયામાં અનેક ભારત-તરફી હૉકીપ્રેમીઓએ પણ આવો જ અભિપ્રાય આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતના હાથમાંથી ગોલ્ડ મેડલની તક છીનવી લેવામાં આવી છે.
મંગળવારે બીજી સેમિ ફાઇનલમાં નેધરલૅન્ડ્સે સ્પેનને 4-0થી હરાવ્યું હતું. હવે આવતી કાલે (ગુરુવારે) ભારત અને સ્પેન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટેનો મુકાબલો થશે. એ જ દિવસે જર્મની અને નેધરલેન્ડ્સ વચ્ચે ફાઇનલ રમાશે.
Also Read –