ભારત હૉકીમાં હાર્યું, હજી બ્રૉન્ઝ મેડલ જીતવાનો મોકો છે
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની મેન્સ ટીમ મંગળવારે હૉકીની સેમિ ફાઇનલમાં જર્મનીની ચડિયાતી ટીમ સામે 2-3થી હારી જતાં ઐતિહાસિક ફાઇનલથી વંચિત રહી હતી.
હવે ભારતે બ્રૉન્ઝ માટેની મૅચમાં રમવું પડશે અને એમાં જીતીને બ્રૉન્ઝ મેળવવાનો ચાન્સ છે.
ભારત છેલ્લે 1980માં (44 વર્ષ પહેલાં) ઑલિમ્પિક ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યું હતું. 1980માં સોવિયેત સંઘના મોસ્કોમાં ભારતે સ્પેનને ફાઇનલમાં 4-3થી હરાવીને વિક્રમજનક આઠમી વાર ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ત્યાર બાદ ભારત ક્યારેય ઑલિમ્પિક્સની હૉકીમાં ચૅમ્પિયન નથી બન્યું. જોકે આ વખતે હરમનપ્રીત સિંહના સુકાનમાં બનવાનો સોનેરી અવસર મળ્યો હતો.
હાફ ટાઇમ વખતે વર્લ્ડ ચૅમ્પિયન જર્મન ટીમ 2-1થી આગળ હતી. એમાં ભારતનો એકમાત્ર ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યો હતો. જોકે હાફ ટાઇમ પછીના 15 મિનિટવાળા ત્રીજા ક્વૉર્ટરમાં સુખજીતે ગોલ કરીને ભારતને 2-2ની બરાબરીમાં લાવી દીધું હતું. ચોથા ક્વૉર્ટરની શરૂઆત વખતે બન્ને ટીમ 2-2થી સમકક્ષ હતી. ચોથા ક્વૉર્ટરમાં જર્મનીને માર્કો મિલ્ટકૉના ગોલથી જર્મનીએ 3-2થી લીડ લીધી હતી. મૅચની છેલ્લી અમૂલ્ય ક્ષણમાં શમશેર ભારતને બરાબરી માટેનો ત્રીજો ગોલ અપાવવામાં નિષ્ફળ ગયો હતો અને જર્મનીનો વિજય થયો હતો.
ભારત ક્વૉર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિમાં પહોંચ્યું હતું.