વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ, ઑલિમ્પિક્સનો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ લઈને જ પાછી આવશે
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે કમાલ જ કરી નાખી હતી. તે ઑલિમ્પિક રેસલિંગની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. તેણે 50 કિલા વર્ગની ફ્રીસ્ટાઇલ સેમિ ફાઇનલમાં ક્યૂબાની યુસનેલિસને 5-0થી પરાસ્ત કરી હતી.
વિનેશે એ પહેલાં વિનેશે યુક્રેનની ઑક્સાના લિવાચને ક્વૉર્ટરમાં હરાવીને પહેલી વાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિનેશે તેને 5-0થી હરાવી હતી.
ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા વિનેશે પ્રી-ક્વૉર્ટરમાં જાપાનની ડિફેન્ડિંગ ઑલિમ્પિક ચૅમ્પિયન અને ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી યુઇ સુસાકીને હરાવીને આ વખતની ઑલિમ્પિક ગેમ્સનો સૌથી મોટો અપસેટ સરજ્યો હતો.
વિનેશ હવે આવતી કાલે રાતે ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે રમશે. જો એમાં તે હારી જશે તો સિલ્વર જીતશે.
ભારતીય રેસલર્સના રાષ્ટ્રીય કોચ વિરેન્દર દહિયાએ ભારતીય રેસલર અંતિમ પંઘાલના બાઉટ માટે રવાના થતાં પહેલાં પત્રકારોને ફોગાટની સિદ્ધિઓ વિશે પૂછાતાં કહ્યું હતું કે ‘આ બહુ મોટો ચમત્કાર છે. કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની ગોલ્ડ-મેડલિસ્ટ વિનેશ ફોગાટે જે હાંસલ કર્યું છે એને માટે ચમત્કાર શબ્દ જ આપી શકાય. સોમવારનો દિવસ ભારતીય કુસ્તીબાજ નિશા દહિયાની શૉકિંગ હારને કારણે નિસ્તેજ રહ્યો હતો, પણ મંગળવારે ફોગાટે કમાલ કરી નાખી.’