નવી દિલ્હીઃ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ક્રિકેટજગતનું સંચાલન કરતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને માહિતગાર કરી દીધું છે કે ફેબ્રઆરી, 2025માં પાકિસ્તાનમાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ માટે ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલવાની સૂચના કેન્દ્ર સરકારે બીસીસીઆઇને આપી દીધી છે.
પાકિસ્તાને ત્રણ મહિના પછી પોતાને ત્યાં યોજાનારી આ સ્પર્ધા માટે પાક્કી તૈયારી કરી રાખી છે. જોકે ભારતની ટીમ પોતાને ત્યાં આવશે જ નહીં એવી ખાતરી હોવા છતાં પાકિસ્તાન બોર્ડ ભારતને રીઝવવા કોઈને કોઈ અખતરા કરતું આવ્યું છે. હવે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હોવાથી પીસીબીને ઝટકો લાગ્યો છે.
આપણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસી, બીસીસીઆઇ સાથે લડી લેવાના મૂડમાંઃ લૂલો દાવો કર્યો
વર્ષોથી પાકિસ્તાન પોતાને ત્યાં આતંકવાદીઓને તાલીમ આપીને ભારત મોકલી રહ્યું છે અને હજી પર પાકિસ્તાને એ હરકત ચાલુ જ રાખી છે.
આગામી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચો માટે પીસીબીએ ત્રણ સ્થળ નક્કી કરી રાખ્યા છે.
હવે ભારત સરકારે બીસીસીઆઇને ચોખ્ખા શબ્દોમાં સૂચના આપી દીધી એને પગલે હવે આઇસીસી અને પીસીબીએ આ સ્પર્ધાના આયોજન બાબતમાં નવો પ્લાન તાબડતોબ બનાવવો પડશે.
ગયા વર્ષે પાકિસ્તાનનો એશિયા કપ હાઇબ્રિડ મૉડેલને આધારે યોજાયો હતો જેમાં પાકિસ્તાનમાં ભારતીય ટીમની જે મૅચો નિર્ધારિત થઈ હતી એ બધી મૅચો કોલંબોમાં રાખવામાં આવી હતી. હવે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પણ આવો જ નિર્ણય લેવાશે એવી પાકી સંભાવના છે અને ભારતની મૅચો મોટા ભાગે યુએઇમાં (દુબઈમાં) રમાશે.