ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમનો ધબડકો! આટલા રનમાં ઓલ આઉટ; દક્ષિણ આફ્રિકાને જંગી લીડ

ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં જણાઈ રહી છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ટીમ 201 રનમાં ઓલ આઉટ થઇ ગઈ છે, દક્ષિણ આફ્રિકાને 288 રનની જંગી લીડ મળી છે. દક્ષિણ આફ્રિકાએ ફોલો-ઓન આપવાને બદલે બેટિંગ કરવાનું પસંદ કર્યું છે
ગઈ કાલે મેચના બીજા દિવસના ત્રીજા સેશનમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓલ આઉટ થયા બાદ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ભારતની પ્રથમ ઇનિંગની શરૂઆત કરવા મેદાને ઉતર્યા હતાં. ગઈ કાલે રમતના અંત સુધી ભારતીય ટીમ ટીમે 6.1 ઓવર રમી. ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર 9/૦ હતો.
સારી શરૂઆત બાદ ધબડકો:
ત્રીજા દિવસની શરૂઆતમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે સારી બેટિંગ કરી, બંને એ 65 રનની પાર્ટનરશીપ કરી. રાહુલ 22 રન બનાવીને કેશવ મહારાજના બોલ પર આઉટ થયો. યશસ્વીએ ટેસ્ટ ક્રિકેટમાં તેની 13મી અડધી સદી પૂરી કરી. યશસ્વી 58 રન બનાવીને સ્પિનર સિમોન હાર્મરનો શિકાર બન્યો, ત્યાર બાદ ભારતની એક પછી એક વિકેટ પડતી રહી.
સિમોન હાર્મરે સાઈ સુદર્શનને 15 રનમાં આઉટ કર્યો. ધ્રુવ જુરેલ 0 રનમાં આઉટ થયો, માર્કો જાનસેને તેની વિકેટ લીધી. કેપ્ટન ઋષભ પંતે ફરી નિરાશ કર્યા તે 7 રન જ બનાવી શક્યો, યાનસેને તેને પવેલિયન મોકલ્યો.
આ પણ વાંચો: બીજી ટેસ્ટમાં ભારત મોટી મુશ્કેલીમાં
વોશિંગ્ટન અને કુલદીપે ઇનિંગને સંભાળી:
ત્યારબાદ માર્કો યાનસેને નીતીશ કુમાર રેડ્ડી (10 રન) અને રવિન્દ્ર જાડેજા (6 રન)ને આઉટ કર્યા. ત્યાર બાદ વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે ઇનિંગને થોડી સંભાળી, બંને વચ્ચે 72 રનની પાર્ટનરશીપ થઇ. સિમોન હાર્મરે સુંદરને આઉટ કરી પાર્ટનરશીપ તોડી. સુંદરે 92 બોલમાં 48 રન બનાવ્યા.
વોશિંગ્ટન સુંદર આઉટ થયાના થોડા સમય બાદ કુલદીપ યાદવ પણ આઉટ થયો, કુલદીપે 134 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકારીને 19 રન બનાવ્યા. કુલદીપની વિકેટ સાથે માર્કો યાનસેને ઇનિંગમાં પાંચ વિકેટ પૂરી કરી. ત્યારબાદ યાનસેને બુમરાહ (5 રન) ને આઉટ કરીને ભારતીય ટીમને ઓલ આઉટ કરી.



