સ્પોર્ટસ

ભારત ફરી જીત્યું, પણ ઝિમ્બાબ્વેએ તૂફાની બૅટિંગથી અનેકના દિલ જીતી લીધા

યજમાન ટીમના પહેલી 10 ઓવરમાં પાંચ વિકેટે 60 અને પછીની 10 ઓવરમાં એક વિકેટે 99 રન

હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વેને ત્રીજી ટી-20માં … રનથી હરાવીને પાંચ મૅચવાળી સિરીઝમાં 2-1થી સરસાઈ લીધી હતી. પહેલી મૅચના આંચકા બાદ શુભમન ગિલના સુકાનમાં ભારતની યુવા ખેલાડીઓ પછીની બન્ને મૅચમાં દમદાર પર્ફોર્મ કર્યું.
ભારતે 183 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ સિકંદર રઝાની ટીમ છેલ્લી થોડી ઓવરમાં ધમાકેદાર બૅટિંગ કરીને શાનથી હારી હતી. તેઓ 20 ઓવરમાં છ વિકેટે 159 રન બનાવી શક્યા હતા અને ફક્ત 23 રનના તફાવતથી હાર્યા હતા. જોકે ઝિમ્બાબ્વેની ફીલ્ડિંગ ખરાબ હતી. તેમણે કેટલાક કૅચ છોડ્યા હતા.

જે પિચ પર ભારતના કૅપ્ટન શુભમન ગિલે 49 બૉલમાં 66 રન બનાવ્યા હતા એ જ પિચ પર ઝિમ્બાબ્વેના ડિયૉન માયર્સે માનસિક દબાણ વચ્ચે 49 બૉલમાં એક સિક્સર અને સાત ફોરની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા. કરીઅરની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારનાર માયર્સ અને વેલિંગ્ટન માસાકાદ્ઝા (18 અણનમ, 10 બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે 43 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. તેમણે ખાસ કરીને સ્પિનર રવિ બિશ્ર્નોઈની 19મી ઓવરમાં 16 રન અને પેસ બોલર આવેશ ખાનની 20મી ઓવરમાં 18 રન બન્યા હતા.

એ પહેલાં, વિકેટકીપર ક્લાઇવ મૅન્ડેન (37 રન, 26 બૉલ, બે સિક્સર, બે ફોર)એ પણ જોરદાર ફટકાબાજી કરી હતી. જો ઝિમ્બાબ્વેના બૅટર્સે આતશબાજી વહેલી શરૂ કરી હોત અને ટપોટપ વિકેટ ન ગુમાવી હોત તો કદાચ ભારતે પરાજય જોવો પડ્યો હોત. એક તબક્કે ઝિમ્બાબ્વેનો સ્કોર પહેલી 10 ઓવરમાં પાંચ વિકેટે માત્ર 60 રન હતો. જોકે છેલ્લી 10 ઓવરમાં તેમણે ફક્ત એક વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા.

સ્પિનિંગ-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે માત્ર 15 રનમાં ત્રણ અને આવેશ ખાને 39 રનમાંબે વિકેટ લીધી હતી. એક વિકેટ ખલીલ અહમદને મળી હતી. રવિ બિશ્ર્નોઈ તેમ જ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી શિવમ દુબેને અને અભિષેક શર્માને વિકેટ નહોતી મળી.

આ પણ વાંચો: Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા

એ પહેલાં, ભારતની આ ‘બી’ કક્ષાની ટી-20 ટીમે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવ્યા હતા.
પ્રથમ મૅચના ઝીરો બાદ બીજી મૅચમાં ધમાકેદાર 100 રન બનાવનાર ઓપનર અભિષેક શર્માને યશસ્વી જયસ્વાલના આગમનને કારણે બુધવારે વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો અને તે (અભિષેક) ફક્ત 10 રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે એ પહેલાં ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ (36 રન, 27 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (66 રન, 49 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે 8.1 ઓવરમાં 67 રનની દમદાર ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

યશસ્વી આ મૅચથી ભારતીય ટીમ સાથે જોડાયો છે. ટી-20 વર્લ્ડ કપના બીજા બે ખેલાડી વિકેટકીપર સંજુ સૅમસન તથા ઑલરાઉન્ડર શિવમ દુબેને પણ આ મૅચથી ટીમમાં સ્થાન અપાયું છે. પેસ બોલર મુકેશ કુમારના સ્થાને ખલીલ અહમદને ઇલેવનમાં સમાવાયો હતો. વિકેટકીપર જિતેશ શર્મા તથા બૅટર રિયાન પરાગને ઇલેવનની બહાર રાખવામાં આવ્યા હતા.

શુભમન ગિલે ટૉસ જીતીને નવી પિચ પર બૅટિંગ પસંદ કરી હતી અને તેની હાજરીમાં યશસ્વીએ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. ચાર ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 49 રન થઈ ગયો હતો. ત્યાર બાદ ખુદ કૅપ્ટન સિકંદર રઝા મોરચા પર આવ્યો હતો અને તેની બીજી ઓવરના એક બૉલમાં યશસ્વી સ્વિચ હિટ શૉટ મારવા જતાં બૅકવર્ડ પોઇન્ટ પર બેનેટને કૅચ આપી બેઠો હતો.

આ પણ વાંચો: IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

યશસ્વીની વિકેટ બાદ થોડી વારમાં અભિષેક (નવ બૉલમાં દસ રન)ને પણ રઝાએ પૅવિલિયન ભેગો કરી દીધો હતો. જોકે ગિલને 18મી ઓવર સુધી ઋતુરાજ ગાયકવાડ (49 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 72 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ગિલ 18મી ઓવરમાં મુઝરાબનીના બૉલમાં હરીફ સુકાની રઝાને આસાન કૅચ આપી બેઠો ત્યાર બાદ ઋતુરાજ અને સૅમસન વચ્ચે 24 રનની પાર્ટનરશિપ થઈ હતી.
ભારતની ઇનિંગ્સને અંતે સૅમસન 12 રને અને રિન્કુ સિંહ એક રને અણનમ રહ્યો હતો.

ઝિમ્બાબ્વેના સાત બોલરમાંથી રઝા તથા મુઝરાબનીને બે-બે વિકેટ મળી હતી.
ભારતની પ્લેઇંગ ઇલેવન આ મુજબ છે: શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સૅમસન, રિન્કુ સિંહ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, આવેશ ખાન અને ખલીલ અહમદ.
ચોથી ટી-20 શનિવાર, 13મી જુલાઈએ રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…