રાજકોટમાં ભારતીય મહિલા ક્રિકેટર્સનો આયરલૅન્ડ સામે સતત 13મી વન-ડેમાં વિજય
બન્ને ટીમની એક-એક બૅટર કરીઅરની પ્રથમ સેન્ચુરી ચૂકી ગઈ!: હરિયાણાની પ્રતિકા રાવલ પ્લેયર ઑફ ધ મૅચ

રાજકોટઃ સ્મૃતિ મંધાનાના સુકાનમાં ભારતીય મહિલા ટીમે અહીં આજે આયરલૅન્ડની ટીમને સતત 13મી વન-ડેમાં હરાવી હતી. અહીં સિરીઝની પ્રથમ વન-ડેમાં 93 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતે સાધારણ બોલિંગ પર્ફોર્મન્સ બાદ બૅટિંગની તાકાત પર આ મૅચ જીતી લીધી હતી.
ભારતને જીતવા 239 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે ભારતીય ટીમે ત્રણ મોટી ઇનિંગ્સની મદદથી 34.3 ઓવરમાં ચાર વિકેટના ભોગે 241 રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. આયરલૅન્ડ સામે ભારત 13 વન-ડે રમ્યું છે અને તમામ 13 મૅચમાં ભારતનો વિજય થયો છે.
આયરલૅન્ડની કૅપ્ટન-ઓપનર ગૅબી લુઇસે (92 રન, 129 બૉલ, પંદર ફોર) ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. તેની ટીમની લીઆ પૉલે (59 રન, 73 બૉલ, સાત ફોર) પણ હાફ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ આયરલૅન્ડની ટીમ 250ના આંકડા સુધી નહોતી પહોંચી શકી.
આપણ વાંચો: રાજકોટમાં આવતી કાલથી સ્મૃતિ મંધાનાની ટીમની કઈ મોટી કસોટી છે, જાણો છો?
ગૅબી-લીઆ વચ્ચે પાંચમી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી. ખાસ કરીને 23 વર્ષની સુકાની ગૅબીને અનુભવી ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ પોતાના જ બૉલમાં કૅચઆઉટ કરીને તેને પ્રથમ વન-ડે સેન્ચુરીથી આઠ રન માટે વંચિત રાખી હતી.
દીપ્તિએ આ એકમાત્ર પ્રાઇઝ વિકેટ લીધી હતી, જ્યારે લેગ-સ્પિનર પ્રિયા મિશ્રાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. પહેલી જ વન-ડે રમનાર સાયલી સતઘરેએ તેમ જ ટિટાસ સાધુએ એક-એક વિકેટ લીધી હતી. હાફ સેન્ચુરિયન લીઆ પૉલને હર્લીન દેઓલ અને વિકેટકીપર રિચા ઘોષે રનઆઉટ કરી હતી.
આપણ વાંચો: આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર: સ્મૃતિ મંધાનાને સોંપ્યું સુકાન
ભારતે 239 રનનો લક્ષ્યાંક મેળવવા બહુ સારી શરૂઆત કરી હતી. કૅપ્ટન-ઓપનર સ્મૃતિ મંધાના (41 રન, 29 બૉલ, એક સિક્સર, છ ફોર) અને સાથી-ઓપનર હરિયાણાની પ્રતિકા રાવલ (89 રન, 96 બૉલ, એક સિક્સર, દસ ફોર) વચ્ચે 10 ઓવરમાં 70 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને એમાં જ ભારતની જીતનો પાયો નખાયો હતો.
લેફ્ટ-આર્મ સ્પિનર એઇમી મૅગ્વાયરે પ્રતિકાને કૅચઆઉટ કરીને તેને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સેન્ચુરીથી 11 રન માટે વંચિત રાખી હતી. જોકે તેજલ હસબનીસ (53 અણનમ, 46 બૉલ, નવ ફોર) અણનમ હાફ સેન્ચુરી ફટકારીને ભારતનો વિજય આસાન બનાવ્યો હતો. એઇમી મૅગ્વાયરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, પણ તેનો એ પર્ફોર્મન્સ એળે ગયો હતો.
આક્રમક બૅટિંગ-પર્ફોર્મન્સમાં 89 રન બનાવનાર પ્રતિકા રાવલને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.