ટી-20 સિરીઝમાં ભારતીય મહિલાઓની 3-0થી વિજયી સરસાઈ, બાંગલાદેશની સતત છઠ્ઠી હાર
સીલ્હટ (બાંગલાદેશ): હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે અહીં યજમાન બાંગલાદેશને સતત ત્રીજી ટી-20માં સાત વિકેટે હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. શેફાલી વર્મા (51 રન, 38 બૉલ, આઠ ફોર) પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી.
બાંગલાદેશ સતત છઠ્ઠી ટી-20 હાર્યું છે. આ વર્ષના પાછળના મહિનાઓમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગલાદેશમાં જ રમાવાનો છે એટલે ભારતીય ટીમને આ શ્રેણીમાં સારી પ્રૅક્ટિસ થઈ છે.
ભારતને 118 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો અને વિમેન ઇન બ્લુએ 18.3 ઓવરમાં ત્રણ વિકેટે 121 રનના ટોટલ સાથે મૅચ જીતી લીધી હતી. શેફાલી અને બીજી ઓપનર સ્મૃતિ મંધાના (47 રન, 42 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે 91 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. 100 રનમાં બન્ને ઓપનર આઉટ થઈ ગઈ હતી, પરંતુ જીત માટે પછીથી જોઈતા રન દયાલન હેમલતા (નવ રન), હરમનપ્રીત (છ અણનમ) અને વિકેટકીપર રિચા ઘોષે (આઠ અણનમ) બનાવી લીધા હતા.
આપણ વાંચો: ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડના ઘરઆંગણે સૂપડા સાફઃ ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી
એ પહેલાં, હરમનપ્રીતે ફીલ્ડિંગ પસંદ કરી ત્યાર બાદ બાંગલાદેશની ઓપનર્સે સારી ભાગીદારી કરતા હરમનપ્રીતનો નિર્ણય ભૂલ ભરેલો લાગતો હતો. જોકે 46મા રને પ્રથમ વિકેટ પડ્યા બાદ સમયાંતરે વિકેટ પડતી રહી હતી. રાધા યાદવે બે તેમ જ રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ ટી-20 44 રનથી અને બીજી ટી-20 19 રનથી જીતી લીધી હતી. હવે ચોથી મૅચ સોમવારે અને છેલ્લી ગુરુવારે રમાશે.