આફ્રિકા સામે ભારતના ધબડકા પછી દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવાની કોણે હિમાયત કરી?

ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે પણ કરી મહત્ત્વની વાત
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર અભિનવ મુકુંદનું માનવું છે કે શુભમન ગિલ ખૂબ દબાણમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતની હાર બાદ મુકુંદે દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની માંગ કરી હતી.
ગિલ ગરદનમાં ખેંચાણને કારણે બીજી ઇનિંગમાં રમી શક્યો નહોતો. ભારત 124 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 93 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકા ત્રણ દિવસમાં 30 રનથી જીત્યું, જે 15 વર્ષમાં ભારતમાં તેમની પહેલી ટેસ્ટ જીત હતી.

મુકુંદ દૂરદર્શનના “ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ શો” પર કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે કે ભારત ઘરઆંગણે જીતશે.” ગિલને પહેલી ઇનિંગમાં સ્લોગ સ્વીપ રમતી વખતે ઈજા થઈ હતી. ચાર રન કર્યા પછી તે મેદાનની બહાર જતો રહ્યો હતો અને ફરી મેદાનમાં ઉતર્યો નહોતો. તેની ગેરહાજરીએ ભારતની બેટિંગની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. ગિલનો વધતો કાર્યભાર ચર્ચાનો વિષય રહ્યો છે.
તે આઈપીએલ પછીથી તમામ ફોર્મેટમાં સતત ક્રિકેટ રમી રહ્યો છે. તેને ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે ભારતને ઇંગ્લેન્ડમાં પાંચ મેચની શ્રેણી 2-2થી ડ્રો કરવામાં મદદ કરી હતી.
સાત ટેસ્ટ રમી ચૂકેલા મુકુંદે કહ્યું હતું કે, “મને લાગે છે કે શુભમનમાં બધા ફોર્મેટમાં કેપ્ટનશીપ કરવાની ક્ષમતા છે, પરંતુ મને નથી લાગતું કે ભારત પાસે હવે બધા ફોર્મેટ માટે એક જ કેપ્ટન હોવો જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું કે “અલગ અલગ કેપ્ટન રાખવા એ એક સમજદારીભર્યું પગલું છે. શુભમન ગિલને ટેસ્ટમાં કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે અને તેના પર ઘણું દબાણ હશે.”



