સ્પોર્ટસ

સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો ઊગતો સૂરજઃ અન્ડર-19 ટીમને ફાઇનલમાં પહોંચાડ્યું

રવિવારે નિર્ણાયક જંગમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે નહીં, પણ…

શારજાહઃ ભારતના જુનિયર ક્રિકેટરોની ટીમે અહીં શુક્રવારે અન્ડર-19 એશિયા કપ વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી (67 રન, 36 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) ભારતની સેમિ ફાઇનલની જીતનો હીરો હતો.

ભારતે આ મૅચમાં શ્રીલંકાને 170 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિથી હરાવ્યું હતું. ફાઇનલ રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી) દુબઈમાં રમાશે અને એમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

વૈભવ ગયા મહિને આઇપીએલ-ઑક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં હરાજીમાં ખરીદવામાં આવેલા ખેલાડીઓમાં 13 વર્ષનો વૈભવ સૌથી યુવાન ખેલાડી બન્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં સતત બીજી હાફ સેન્ચુરી ફટકારનાર સૂર્યવંશીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આપણ વાંચો: જુઓ, ભારતના જુનિયર ક્રિકેટર્સે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની કેવી હાલત કરી!

શ્રીલંકા અન્ડર-19 ટીમે 173 રન બનાવ્યા હતા. ઇન્ડિયા અન્ડર-19 ટીમના સાત બોલરમાં ચેતન શર્મા (34 રનમાં ત્રણ) સૌથી સફળ હતો. મુંબઈના આયુષ મ્હાત્રે (37 રનમાં બે) અને કિરણ ચોર્માલે (32 રનમાં બે)નું પણ શ્રીલંકાને 200 રન સુધી ન પહોંચવા દેવામાં મોટું યોગદાન હતું.

ભારતે 21.4 ઓવરમાં ત્રણ વિકેટે 175 રન બનાવીને વિજય મેળવ્યો હતો. ઓપનર આયુષ મ્હાત્રેનું આ સ્કોરમાં 34 રનનું યોગદાન હતું જે તેણે સાત ફોરની મદદથી બનાવ્યા હતા. સી. આન્દ્રે સિદ્ધાર્થે બાવીસ રન અને કૅપ્ટન મોહમ્મદ અમાને અણનમ પચીસ રન બનાવ્યા હતા.

આપણ વાંચો: જુનિયર એશિયા કપમાં ભારતે જાપાનને તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાનું શરૂ કરી દીધું…

બીજી સેમિ ફાઇનલમાં પાકિસ્તાન (37 ઓવરમાં 116/10)ને બાંગ્લાદેશે (22.1 ઓવરમાં 120/3) સાત વિકેટે હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

બાંગ્લાદેશનો પેસ બોલર ઇકબાલ એમોન (24 રનમાં ચાર વિકેટ) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. બાંગ્લાદેશની જીતમાં કૅપ્ટન અઝીઝુલ હકીમ (61 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું પણ યોગદાન હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button