ભારતના લીડ સાથે 308, બાંગ્લાદેશ પર પરાજય તોળાય છે
બૂમ-બૂમ બુમરાહના તરખાટ બાદ રોહિત-વિરાટ ફરી ફ્લૉપ, ત્રીજા-ચોથા દિવસે પરિણામની પાક્કી સંભાવના
ચેન્નઈ: ભારતીય ટીમ અહીં પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા અથવા રવિવારના ચોથા દિવસે વિજય મેળવી લેશે એવું માની શકાય, કારણકે શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ભારતે બીજા દાવમાં ત્રણ વિકેટના ભોગે 81 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવની 227 રનની સરસાઈ સહિત ભારતના નામે કુલ 308 રન હતા.
ઓપનર યશસ્વી જયસ્વાલ પહેલા દાવ જેવું પર્ફોર્મ નહોતો કરી શક્યો અને ફરી એકવાર પેસ બોલર નાહિદ રાણાનો શિકાર થયો હતો. યશસ્વીએ પ્રથમ દાવમાં 56 રન બનાવ્યા હતા, પરંતુ શુક્રવારે 17 બૉલમાં માત્ર 10 રન બનાવીને વિકેટકીપર લિટન દાસને કૅચ આપી બેઠો હતો.
કૅપ્ટન રોહિત શર્મા પહેલા દાવના છ રન બાદ બીજા દાવમાં પાંચ રન બનાવીને પૅવિલિયન ભેગો થઈ ગયો હતો અને વિરાટ કોહલી પહેલા દાવના 6 રન બાદ બીજી ઇનિંગ્સમાં 17 રનની ટૂંકી ઇનિંગ્સ બાદ સ્પિનર હસન મિરાઝના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
બે સ્પિનર શાકિબ અલ હસન અને મિરાઝે કોહલી પર સ્પિન-આક્રમણ કર્યું હતું અને છેવટે મિરાઝનો ફ્લાઇટેડ બૉલ કોહલીના ઑફ સ્ટમ્પની બહાર પડીને ટર્ન થઈને અંદર આવ્યો હતો, પરંતુ કોહલી એમાં ફ્લિક કરવાના પ્રયાસમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
આપણ વાંચો: આર. અશ્વિને ચેન્નઈમાં પિતાની હાજરીમાં ફટકારી યાદગાર છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી
કોહલીની પહેલાં યશસ્વી જયસ્વાલ નાહિદ રાણાના બૉલમાં બિગ શૉટ મારવાની લાલચમાં સસ્તામાં (10 રનમાં) વિકેટ ગુમાવી બેઠો હતો.
જોકે 28 રનમાં ભારતે બે વિકેટ ગુમાવ્યા બાદ કોહલી-શુભમન ગિલ (33 નૉટઆઉટ, 64 બૉલ, ચાર ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ હતી અને પછી ગિલ તથા રિષભ પંત (12 નૉટઆઉટ, 13 બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે 14 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
પેસ બોલર્સ તાસ્કિન અને રાણાને એક-એક વિકેટ અને સ્પિનર મિરાઝને એક વિકેટ મળી હતી. પ્રથમ દાવમાં 83 રનમાં પાંચ વિકેટ લેનાર હસન મહમૂદને શુક્રવારે 12 રનમાં વિકેટ નહોતી મળી શકી.
આપણ વાંચો: ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું
એ પહેલાં, બાંગ્લાદેશને પહેલા દાવમાં ફક્ત 149 રનમાં ઑલઆઉટ કરીને ટીમ ઇન્ડિયા ઘરઆંગણે બૅટિંગ પછી બોલિંગમાં પણ કેટલી અસરદાર છે એ બતાવી આપ્યું હતું. ભારતીય ટીમ બાંગ્લાદેશને ફૉલો-ઑન આપી શકી હોત, પરંતુ ફૉલો-ઑન આપવાનું ટાળીને ફરી બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો કે જેથી પ્રવાસી ટીમને 500-પ્લસ જેટલો મોટો લક્ષ્યાંક આપીને આસાનીથી જીતી શકાય.
જસપ્રીત બુમરાહ (11-1-50-4) શુક્રવારનો હીરો હતો. બે-બે વિકેટ બીજા પેસ બોલરો આકાશ દીપ તથા મોહમ્મદ સિરાજે અને લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ લીધી હતી. એક પણ બૅટર 35 રન પણ નહોતો બનાવી શક્યો. શાકિબ-અલ-હસનના 32 રન ટીમમાં હાઈએસ્ટ હતા.
એ પહેલાં, ભારતે પહેલા દાવની બીજા દિવસની રમત 339/6ના સ્કોર સાથે શરૂ કરી હતી, પરંતુ જાડેજાએ આગલા દિવસના 86 રનના પોતાના સ્કોર પર જ વિકેટ ગુમાવી દીધી હતી. તે પાંચમી ટેસ્ટ-સદીથી માત્ર 14 રન માટે વંચિત રહ્યો હતો. અશ્વિને 102 રનની અધૂરી રહેલી યાદગાર ઇનિંગ્સમાં બીજા 11 રન ઉમેર્યા હતા અને 113 રનના પોતાના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો.