આર. અશ્વિને ચેન્નઈમાં પિતાની હાજરીમાં ફટકારી યાદગાર છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી
ચેન્નઈ: ભારતના ટેસ્ટ-સ્પેશિયલ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને અહીં આજે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસને યાદગાર બનાવી દીધો હતો. તેણે પિતાની હાજરીમાં છઠ્ઠી ટેસ્ટ-સદી ફટકારી હતી. તેણે પીઢ બાંગ્લાદેશી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનના બૉલમાં એક રન લીધો એ સાથે તેણે એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં બૅટ સાથે આ અવિસ્મરણીય સેન્ચુરી સેલિબ્રેટ કરી હતી.
અશ્વિને 108 બૉલમાં બે સિક્સર અને દસ ફોરની મદદથી 100 રન પૂરા કર્યા હતા. તેની અગાઉની પાંચમાંથી ચાર સદી વેસ્ટ ઇન્ડિઝ સામે અને એક ઇંગ્લૅન્ડ સામે હતી.
અશ્વિને આ પહેલાંની સેન્ચુરી (106 રન) 2021માં ચેન્નઈમાં જ ઇંગ્લૅન્ડ સામે ફટકારી હતી. ભારતે એ મૅચ 317 રનના તોતિંગ માર્જિન સાથે જીતી લીધી હતી અને તે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
અશ્વિને ગુરુવારે જે સદી ફટકારી એ તેના પિતા રવિચન્દ્રને હોમટાઉન ચેન્નઈમાં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બેસીને માણી હતી. તેના પિતા ફાસ્ટ બોલર હતા અને ક્લબ સ્તરની ક્રિકેટ રમ્યા હતા.
અશ્ર્વિને સદી પૂરી કરી ત્યારે ભારતનો સ્કોર છ વિકેટે 330 રન હતો અને રમત ત્યારે પૂરી થવાની તૈયારીમાં જ હતી. એ તબક્કે તેની અને રવીન્દ્ર જાડેજા વચ્ચે સાતમી વિકેટ માટે 186 રનની કદી ન ભુલાય એવી ભાગીદારી થઈ હતી.