લોર્ડ્સમાં જંગ જામ્યો: સ્ટોક્સે કે એલ રાહુલ સામે કટાક્ષપૂર્વક તાળીઓ પાડી, દર્શકોએ હુરિયો બોલાવ્યો

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સના મેદાનમાં રમાઈ (Ind vs Eng Lords Test) રહી છે. આ સિરીઝમાં બંને ટીમ એક-એક મેચ જીતી ચુકી છે, ત્યારે લોર્ડ્સ ટેસ્ટ જીતીને સિરીઝમાં લીડ મેળવવા બંને ટીમો ભરપુર પ્રયાસ કરી રહી છે. જેમ જેમ ટેસ્ટ મેચ આગળ વધી રહી છે, તેમ રોમાંચ વધી રહ્યો છે અને સાથે મેદાન પર વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે.
ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ માટે ઇંગ્લેન્ડના ઓપનર્સ બેટિંગ કરવા ઉતર્યા ત્યારે નાટકીય ઘટના જોવા મળી હતી, ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને જેક ક્રાઉલી આમને સામે આવી ગયા હતાં, એવી ઘટના ચોથા દિવસના અંતે ભારતની બીજી ઇનિંગ દરમિયાન બની હતી આ સમય કે એલ રાહુલ (K L Rahul) અને બેન સ્ટોક્સ (Ben Stokes) વચ્ચે બોલચાલ થઇ હતી.
મેદાન પર શું બન્યું?
બીજી ઇનિંગની શરૂઆતમાં ભારતની વિકેટ ત્રણ ઝડપથી પડી ગયા બાદ દિવસના અંત સમયે આકાશ દીપને નાઈટવોચમેન તરીકે મોકલવામાં આવ્યો. 17મી ઓવરમાં બ્રાયડન કાર્સના ગૂડ લેન્થ બોલને આકાશ દીપે ડિફેન્ડ કર્યો, ત્યાર બાદ કાર્સે આકાશને કંઇક કહ્યું, આકાશે પણ સામે ઇશારાથી આક્રામક જવાબ આપ્યો.
બંને વચ્ચે બોલચાલ આગળ વધતી જણાઈ રહી હતી, ત્યારે કેએલ રાહુલ વચ્ચે પડ્યો, એવામાં બેન સ્ટોક્સ અચાનક કેએલ રાહુલની નજીક આવ્યો અને તેની તરફ જોઈને કટાક્ષમાં હસીને તાળીઓ પાડવા અને કંઇક કહ્યું.
સ્ટોક્સે બદલો લીધો:
ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના બેટર જેક ક્રાઉલીએ ફિઝિયોને બોલાવતા, ભારતીય ખેલાડીઓએ જેક ક્રાઉલી સામે આવી રીતે જ તાળીઓ પાડી હતી, ટીમના કેપ્ટન ગિલે તો ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમ તરફ હાથ વડે ‘X’નો ઈશારો પણ કર્યો હતો. ભારતીય ખેલાડીઓનું માનવું હતું કે સમય બગાડવા માટે જેક ક્રાઉલીએ ફિઝિયોને બોલાવ્યો હતો.
હવે ચોથા દિવસના અંતે આકાશ દીપે ફિઝિયોને તેના જમણા પગમાં સ્ટ્રેપિંગ કરાવવા માટે બોલાવ્યો હતો, તેના એક બોલ બાદ સ્ટોક્સે કે એલ રાહુલ સામે આગળના દિવસે બનેલી ઘટનાનો બદલો લીધો. લોર્ડ્સમાં હાજર દર્શકો પણ સ્ટોક્સના સમર્થનમાં આવ્યા, દર્શકોએ બૂમો પાડીને નારાજગી વ્યક્ત કરી.
આજનો દિવસ નિર્ણાયક:
દિવસની રમત તરફ આગળ વધી રહી હતી તેમ ભારતીય બેટર્સ સમય વેડફવા ઇચ્છતા હતાં, જોકે, ભારતની રણનીતિ નિષ્ફળ ગઈ કારણ કે સ્ટોક્સે દિવસની અંતિમ ઓવરમાં આકાશ દીપને આઉટ કર્યો. જોકે, કે એલ રાહુલ આઉટ ન થયો.
ભારતીય ટીમ 193 રન ચેઝ કરી રહી છે, હાલ ભારતનો સ્કોર 58 રન પર 4 વિકેટ છે, ભારતને જીતવા માટે હજુ પણ 135 રનની જરૂર છે. આજે મેચનાં અંતિમ દિવસે રિષભ પંત કે એલ રાહુલને સાથ આપવા મેદાન પર ઉતરશે. આજની રમત રોમાંચથી ભરપુર રહે તેવી શક્યતા છે.