IND VS AUS: ભારતીય મહિલા ટીમ આવતીકાલે ઓસ્ટ્રેલિયાનો નવા વર્ષનો આરંભ બગાડશે?
મુંબઈઃ મહિલા ક્રિકેટર્સનો વાનખેડેમાં ક્રિકેટોત્સવ ચાલે છે અને એમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર ટેસ્ટ જીત્યા પછી હવે હરમનપ્રીત કૌરની ટીમનો આવતીકાલે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) વન-ડે શ્રેણીમાં ૦-૩થી વ્હાઇટવોશ થવાનો ભય છે જેને આ યજમાન ટીમે ટાળવાનો છે.
વાનખેડેમાં પહેલી બંને વન-ડેમાં ભારતનો અનુક્રમે ૬ વિકેટે અને ૩ રનથી પરાજય થયો હતો. આ શ્રેણીમાં પ્રવાસી ટીમનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ આજે છેલ્લી વન-ડે જીતીને વિમેન ઇન બ્લુ આશ્વાસન વિજય મેળવવાની સાથે વિકેટકીપર અલીસા હિલીની ટીમની નવા વર્ષની ઉજવણી બગાડી શકે એમ છે. એ સાથે, ભારતીય ટીમ નવા વર્ષનો પોઝિટિવ પ્રારંભ કરી શકે છે.
વાનખેડેમાં વ્હાઇટ બૉલ ક્રિકેટમાં બેટર્સને બહુ સારી મદદ મળતી હોય છે, ઑસ્ટ્રેલિયન ટીમે પ્રથમ વન-ડેમાં ૨૮૨ રન ચેજ્ કરીને પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી અને બીજી મેચમાં ૨૫૫ રન ડિફેન્ડ કર્યા હતા. આ જ બતાવે છે કે જો ભારતીય ટીમની બેટર્સ આવતીકાલે કલીક થશે તો ઓસ્ટ્રેલિયાને આજે ૩-૦ને બદલે ૨-૧થી જ શ્રેણી જીતવા મળશે.
વાનખેડેની રેકોર્ડ-બુક પર નજર કરીએ તો અહી મહિલાઓની રમાયેલી ૩૬ વન-ડેમાં ૧૯ મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે ૧૭ મેચ પ્રથમ ફિલ્ડિંગ કરનારી ટીમે જીતી છે.