નિવૃત્તિ પાછી ખેંચી લેનાર બે જાણીતા પ્લેયરનો પાકિસ્તાનની ટીમમાં સમાવેશ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટમાં નિવૃત્તિ પાછી ખેંચીને પાછા રમવું એ કોઈ નવી વાત નથી. ઇમરાન ખાન 1992ના વર્લ્ડ કપ પહેલાં રિટાયરમેન્ટ પાછું ખેંચીને એ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો અને પાકિસ્તાનને ટ્રોફી અપાવી હતી. જાવેદ મિયાંદાદે નિવૃત્તિ જાહેર કર્યા બાદ બેનઝીર ભુત્તોની અપીલથી 10 જ દિવસમાં નિર્ણય બદલી નાખ્યો હતો. શાહીદ આફ્રિદીએ તો ઘણી વાર નિવૃત્તિ જાહેર કર્યા પછી પાછી ખેંચી લીધી હતી.
આ વખતે એક સાથે બે પાકિસ્તાની ખેલાડીઓનો રસપ્રદ કિસ્સો છે. પેસ બોલર મોહમ્મદ આમિર અને લેફ્ટ-આર્મ સ્પિનર ઇમાદ વસીમે થોડા સમય પહેલાં રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું, પણ બન્નેએ નિર્ણય બદલી નાખ્યો છે અને તેમને 18મી એપ્રિલે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટેની ટીમમાં સમાવવામાં આવ્યા છે.
આપણ વાંચો: બીસીસીઆઇને લઈને પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ગભરાટ
આમિરે ઇંગ્લૅન્ડમાં સ્પૉય-ફિક્સિગં કર્યું હતું જે બદલ તેણે જેલની સજા પણ ભોગવી હતી. છેલ્લે 2020માં પાકિસ્તાન વતી રમ્યો હતો અને ટી-20 લીગ ટૂર્નામેન્ટોમાં રમવા તેમ જ એ સમયના કોચ મિસબાહ-ઉલ-હક અને વકાર યુનુસ સાથેના મતભેદોને કારણે તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.
ઇમાદ વસીમે નવેમ્બર 2023માં નિવૃત્તિ જાહેર કરી દીધી હતી, પરંતુ પાકિસ્તાન સુપર લીગમાં બહુ સારું રમ્યો હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સિલેક્ટર્સે તેને ફરી રમવા આવવાની અપીલ કરી એટલે તેણે રિટાયરમેન્ટ પાછું ખેંચી લીધું છે.
પાકિસ્તાનની વર્તમાન સિલેક્શન કમિટીમાં મોહમ્મદ યુસુફ, અબ્દુલ રઝાક, અસદ શફીક, વહાબ રિયાઝ અને બિલાલ અફઝલનો સમાવેશ છે.