બીસીસીઆઇને લઈને પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ગભરાટ
કરાચી: ગયા વર્ષે વન-ડેમાં વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનના હાથમાંથી એશિયા કપ ઑલમોસ્ટ છીનવાઈ ગયો હતો અને એ યજમાન હોવા છતાં એને ત્યાં આંગળીને વેઢે ગણાય એટલી જ મૅચો રમાઈ હતી એની નાલેશી અને આઘાતમાંથી પાકિસ્તાન ક્રિકેટ અને ખાસ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હજી બહાર નહીં આવ્યું આવ્યું હોય ત્યાં હવે એને ત્યાં ફરી ગભરાટ ફેલાયો છે.
વાત એવી છે કે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ એને ડર છે કે એશિયા કપની માફક આ ટૂર્નામેન્ટ પણ એને ત્યાં હાઇબ્રિડ મૉડેલને આધારે રાખવા એને મજબૂર કરવામાં આવશે.
પાકિસ્તાનમાં વર્ષોથી આતંકવાદીઓના ખોફને કારણે કોઈ પણ દેશની ટીમ સલામતીના મુદ્દે મુસીબતમાં આવી શકે. ખાસ કરીને ભારતીય ખેલાડીઓ માટે પાકિસ્તાનમાં સૌથી મોટો ખતરો હોય છે અને એટલે જ ગયા વર્ષે બીસીસીઆઇએ ભારતીય ટીમને એશિયા કપ માટે પાકિસ્તાન મોકલવાની ચોખ્ખી ના પાડી દીધી હતી જેને પગલે ભાારતની મૅચો શ્રીલંકામાં રાખવામાં આવી હતી.
આઇસીસીની આગામી બેઠક આવતા અઠવાડિયે દુબઈમાં યોજાવાની છે. એમાં પાકિસ્તાન બોર્ડના નવા ચૅરમૅન મોહસીન નકવી અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ વચ્ચે મુલાકાત થઈ શકે એમ છે. એવું મનાય છે કે મોહસીન નકવી આ મંત્રણા દરમ્યાન ભારતીય ટીમને 2025માં પાકિસ્તાનમાં મોકલવામાં આવે એવી ખાતરી જય શાહ પાસે માગશે.
જોકે બીસીસીઆઇના આ પ્રકારના કોઈ પણ નિર્ણય પહેલાં ભારત સરકારની મંજૂરી મળવી જરૂરી હોય છે એ જોતાં જ્યાં સુધી કેન્દ્ર સરકારની પરવાનગી ન મળે ત્યાં સુધી ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન નહીં મોકલવામાં આવે.
પીટીઆઇના અહેવાલ મુજબ પીસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે ‘શું ભારત પોતાની ટીમને 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન મોકલશે કે એશિયા કપનું પુનરાવર્તન થશે? આની જ પીસીબીને સૌથી મોટી ચિંતા છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2008ની સાલ પછી દ્વિપક્ષી સિરીઝ નથી રમાઈ. વર્લ્ડ કપ સહિતની ઘણી સ્પર્ધાઓ આઇસીસીની હોવાથી બન્ને દેશે પોતાના ખેલાડીઓને એકબીજાને ત્યાં રમવા મોકલવા પડે. એટલે જ ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના ક્રિકેટરો ભારતમાં રમવા આવ્યા હતા. જોકે પાકિસ્તાનમાં ખતરો એટલો ગંભીર છે કે ભારત પોતાની ટીમે તેમને ત્યાં મોકલવાનું હજી ઘણા વર્ષો સુધી નહીં વિચારે.