સ્પોર્ટસ

અશ્વિનની 100મી ટેસ્ટમાં કુલદીપ 125 વર્ષના ઇતિહાસનો ‘ફાસ્ટેસ્ટ’ સ્પિનર બન્યો!

ભારતના સ્પિનરોએ તમામ 10 વિકેટ લીધી હોવાનો 48 વર્ષમાં પહેલો બનાવ

ધરમશાલા: ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં ગુરુવારે છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે પાંચ વિકેટ લઈને શ્રેણીમાં કુલ 17 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને આ મૅચમાંથી વાતો ચાલી રહી હતી, પણ તેણે પહેલા જ દિવસે તરખાટ મચાવ્યો.

કૅપ્ટન રોહિત શર્મા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ઉપરાંત આકાશ દીપના રૂપમાં ત્રીજા પેસ બોલરને ઇલેવનમાં સમાવવા વિચારી રહ્યો હતો અને એ માટે કુલદીપ યાદવની ટીમમાંથી બાદબાકી કરવાનો તેનો વિચાર હતો. આર. અશ્ર્વિનની આ 100મી ટેસ્ટ હોવાથી તેમ જ સિરીઝમાં ખૂબ સફળ રહ્યો હોવાથી તેને તેમ જ રવીન્દ્ર જાડેજા ટીમનો એકમાત્ર ભરોસાપાત્ર ઑલરાઉન્ડર હોવાથી આ બન્ને સ્પિનરને ડ્રૉપ કરવાનો કોઈ વિચાર જ નહોતો.

જોકે કુલદીપે ગુરુવારે ઇંગ્લૅન્ડની શરૂઆતની ચારેય વિકેટ સહિત કુલ પાંચ શિકાર કરીને પોતાને એક અનોખી રેકૉડ-બુકમાં લાવી દીધો.

કુલદીપે 1871 બૉલમાં 50 ટેસ્ટ વિકેટ લીધી છે. સૌથી ઓછા બૉલમાં 50 વિકેટ લેનારા ભારતીયોમાં તે (બૉલની દૃષ્ટિએ) ફાસ્ટેસ્ટ છે. છેલ્લા 125 વર્ષમાં એક પણ બોલર આટલા ઓછા બૉલમાં કરીઅરની પહેલી 50 વિકેટ નથી લઈ શક્યો. ભારતીયોની જ વાત કરીએ તો અક્ષર પટેલે તેની પહેલી 50 વિકેટ 2,205 બૉલમાં લીધી હતી અને કુલદીપે તેનો ભારતીય વિક્રમ તોડ્યો છે.

કુલદીપની પહેલાં જો કોઈ સ્પિનરે સૌથી ઓછા બૉલમાં પહેલી 50 વિકેટ લીધી હોય તો તેઓ હતા ઇંગ્લૅન્ડના જૉની બ્રિગ્સ. તેમની કરીઅર 1884માં શરૂ થઈ હતી અને 1899માં (સવાસો વર્ષ પહેલાં) પૂરી થઈ હતી. જૉની બ્રિગ્સે 1512 બૉલમાં પહેલી 50 વિકેટ લીધી હતી. એ રીતે કુલદીપ ફાસ્ટેસ્ટ સ્પિનર્સમાં તેમના પછી બીજા સ્થાને છે.

અહીં ખાસ જણાવવાનું કે જસપ્રીત બુમરાહ ભારતીય બોલરોમાં કુલદીપ અને અક્ષર પછી ત્રીજા નંબરે છે. તેણે 2465 બૉલમાં પહેલી 50 વિકેટ લીધી હતી.

અહીં ખાસ જણાવવાનું કે કુલદીપ, અશ્ર્વિન અને જાડેજા સહિતના ત્રણેય સ્પિનરે ગુરુવારે ઇંગ્લૅન્ડની તમામ 10 વિકેટ લીધી હતી. 1976 પછી પહેલી વાર એવું બન્યું છે જેમાં ભારતીય સ્પિનરોએ ટેસ્ટના પ્રથમ દિવસે તમામ દસ વિકેટ લીધી છે.

1976માં ઑકલૅન્ડમાં ભાગવત ચંદ્રશેખર (6), એરાપલ્લી પ્રસન્ના (3) અને શ્રીનિવાસ વેન્કટરાઘવને (1) ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટના પહેલા દિવસે તમામ 10 વિકેટ લીધી હતી. ત્યારે સુનીલ ગાવસકર ભારતના અને ગ્લેન ટર્નર ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન હતા. ભારતે એ ટેસ્ટ જીતી લીધી હતી. એ મૅચના બીજા દાવમાં પ્રસન્નાએ આઠ વિકેટ અને ચંદ્રશેખરે બે વિકેટ લીધી હતી. મદન લાલ અને મોહિન્દર અમરનાથને આખી મૅચમાં વિકેટ નહોતી મળી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button