ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફયદો; ભારતનું રેન્કિંગ વધુ બગડશે?

મુંબઈ: દક્ષિણ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમનો વ્હાઇટવોશ કર્યો. ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળની ટીમે દરેક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું. ગઈ કાલે બુધવારે ગુવાહાટી ટેસ્ટમાં ભારત સામે 408 રનના મોટા માર્જીનથી જીત મેળવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ ગઈકાલે બુધવારે સાંજે લેટેસ્ટ ટેસ્ટ ટીમ રેન્કિંગ જાહેર કરી હતી. એશિઝ સિરીઝ 2025-26ની પહેલી ટેસ્ટ મેચમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પહેલા સ્થાન પર કબજો મજબુત કર્યો છે. ઓસ્ટ્રેલિયાનું રેટિંગ હાલમાં 124 છે.
દક્ષિણ આફ્રિકાને ફાયદો- ઇંગ્લેન્ડને નુકશાન:
ભારતીય ટીમને સતત બે ટેસ્ટ મેચ હરાવીને દક્ષિણ આફ્રિકાની ટીમ એક સ્થાન ઉપર આવીને બીજા ક્રમે પહોંચી ગઈ છે, દક્ષિણ આફ્રિકાની ટીમનું રેટિંગ હવે 116 પર પહોંચી ગયું છે.
એશિઝ સિરીઝ 2025-26ની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ઇંગ્લેન્ડને નુકસાન થયું છે, ઇંગ્લેન્ડની ટીમ એક સ્થાન નીચે આવીને હાલ ત્રીજા ક્રમે પહોંચી છે, ઇંગ્લેન્ડનું રેટિંગ હાલમાં 112 છે.
ભારતીય ટીમની રેન્કિંગ વધુ બગડી શકે છે:
સતત બે હાર છતાં ભારતીય ટીમ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ચોથા નંબર પર છે, ભારતીય ટીમનું રેટિંગ હાલમાં 104 છે. ભરતી ટીમ ત્રીજા ક્રમે રહેલી ઇંગ્લેન્ડની ટીમથી 8 પોઈન્ટ્સ પાછળ છે.
નોંધનીય છે કે ભારતીય ટીમ અગામી આઠ મહિના સુધી ટેસ્ટ રમવાની નથી, મતલબ કે ભારતીય ટીમ પાસે રેટિંગમાં સુધારવાની કોઈ તક નથી. જયારે અન્ય ટીમો ટેસ્ટ મેચ રમશે, ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારતથી નીચલા ક્રમે રહેલી ટીમો સારું પ્રદર્શન કરીને રેન્કિંગમાં ઉપર આવી શકે છે. આમ આગામી મહિનામાં ભારતીય ટીમને રેન્કિંગ નીચે જવું પડી શકે છે.
ભારતીય ટીમ હવે ઓગસ્ટ 2026માં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. એ પહેલા ભારતીય ટીમ ODI અને T20I મેચ રમતી રહેશે.



