રાચિન રવીન્દ્રએ સીએસકેના ફૅનનું દિલ કેવી રીતે જીતી લીધું?
ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર છેલ્લા દોઢ-બે વર્ષમાં કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો છે જેના પરથી લાગતું હતું કે 19 નવેમ્બરના પ્લેયર્સ-ઑક્શનમાં તેને ખરીદવા માટે પડાપડી થશે, પરંતુ એવું નહોતું થયું અને દિલ્હી-પંજાબ સામેની ટૂંકી હરીફાઈમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 1.80 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં સફળતા મેળવી હતી. તેના જ દેશના ઑલરાઉન્ડર ડેરિલ મિચલને ચેન્નઈએ જ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો એની સામે રાચિનના 1.80 કરોડ રૂપિયા તો કંઈ જ ન કહેવાય.
જોકે આઇપીએલ માર્ચ-એપ્રિલમાં રમાવાની છે, પરંતુ ચેન્નઈના ફૅન્સમાં રાચિનની લોકપ્રિયતા અત્યારથી જ જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં રાચિન કારમાંથી ઉતર્યા પછી તેના એક ચાહકની રિકવેસ્ટ સ્વીકારીને તેને એક પોસ્ટર પર ઑટોગ્રાફ આપી રહેલો દેખાય છે.
તાજેતરના વર્લ્ડ કપમાં માત્ર 10 મૅચમાં 578 રન ખડકી દીધા પછી રાચિન હવે પોતાની પહેલી જ આઇપીએલમાં સ્ટેડિયમો ગજવી નાખશે એ નક્કી છે. માત્ર બૅટિંગમાં જ નહીં, બોલિંગમાં પણ કમાલ કરી દેખાડનારા આ સ્પિનરે 53 ટી-ટવેન્ટી ઇન્ટરનૅશનલ્સમાં 618 રન બનાવવાની સાથે 41 વિકેટ પણ લીધી છે.