જ્યોર્જ ફોરમૅન રસ્તા પર અનેક લૂંટબાજી અને લડાઈ કર્યાં બાદ જગવિખ્યાત મુક્કાબાજ બન્યા હતા
ભૂતપૂર્વ હેવીવેઇટ ચેમ્પિયન બૉક્સરનું શુક્રવારે 76 વર્ષની વયે નિધન થયું

ઑસ્ટિન (અમેરિકા): બે વખત હેવીવેઇટ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતનાર વિશ્વવિખ્યાત મુક્કાબાજ જ્યોર્જ ફોરમૅનનું શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા અને પાવરફુલ પંચ માટે તેમ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે વિશ્વભરમાં લોકપ્રિય હતા.
આ પણ વાંચો…ગિલને આંખ બતાવનાર પાકિસ્તાની બોલરની જુઓ કેવી હાલત થઈ!
બૉકસિંગની રિંગમાં પ્રેક્ષકોના શ્વાસ થંભાવી દે એવા બાઉટમાં અનેક બૉક્સર્સને પરાસ્ત કરનાર અમેરિકાના ફોરમૅન પથારીવશ હતા અને શુક્રવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
ફોરમૅન સૌથી પહેલાં 1968માં ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ફેમસ થયા હતા. 1973માં તેમણે એ સમયના ચેમ્પિયન જમૈકાના જૉ ફ્રેઝરને હરાવીને પ્રથમવાર હેવીવેઇટ ટાઈટલ જીતી લીધું હતું.
જોકે ફોરમૅન 1974માં મોહમ્મદ અલીને જબરદસ્ત લડત આપીને તેમની સામે હાર્યા એમ છતાં તેમણે અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધા હતા. ‘રમ્બલ ઈન ધ જંગલ’ તરીકે ઓળખાતા એ મુકાબલામાં અલીએ ગજબના વ્યૂહ સાથે તેમને આઠ રાઉન્ડના નૉકઆઉટમાં હરાવ્યા હતા.
ફોરમૅનને માઈક ટાયસન સહિત બૉકસિંગ જગતમાંથી અનેક હસ્તીઓએ અંજલિ આપી હતી. ફોરમૅન 1977માં નિવૃત્ત થયા હતા અને મિનિસ્ટર બન્યા હતા. જોકે એક દાયકા બાદ (1987માં) તેમણે અણધારી રીતે બૉકસિંગ રિંગમાં કમબૅક કર્યું હતું અને 24 મુકાબલા જીત્યા બાદ 1991માં ઇવાન્ડર હોલીફીલ્ડ સામે હાર્યા હતા. 1994ની સાલમાં 45 વર્ષની ઉંમરે માઇકલ મૂરરને પછાડીને ફોરમૅન બીજું હેવીવેઇટ વર્લ્ડ ટાઈટલ જીત્યા હતા અને એ સાથે તેઓ ઑલડેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.
ફોરમૅન યુવાન હતા ત્યારે રસ્તા પર ફાઇટિંગ અને લૂંટફાટ કરવામાં નામચીન હતા. તેમણે એક વાર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘હું કોઈનાથી પણ ડરતો નથી એવું મિત્રોને બતાવવા માટે જ મેં બૉકસિંગની રિંગમાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. એક વર્ષમાં પચીસ મુકાબલા લડ્યા બાદ હું ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલિસ્ટ બની ગયો હતો.’
ફોરમૅન કુલ 81 વખત બૉકસિંગની રિંગમાં ઊતર્યા હતા, એમાંથી 76 બાઉટ જીત્યા હતા જેમાંના 68 જંગ નૉકઆઉટમાં જીત્યા હતા.
આ પણ વાંચો… IPL 2025: ખેલાડીઓ સુરતમાં બનેલા કપડાંની જર્સી પહેરીને ઉતરશે મેદાનમાં, જાણો શું છે વિશેષતા…
જયોર્જ ફોરમૅને 1997માં 48 વર્ષની ઉંમરે શેનૉન બ્રિગ્સ સાથેના રસાકસીભર્યા મુકાબલામાં પરાજય જોયા બાદ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.
ફોરમૅને પાંચ લગ્ન કર્યાં હતા. તેમને કુલ 10 સંતાનો છે. તેમણે પાંચેય પુત્રના નામમાં જયોર્જ એડવર્ડ નામ જોડ્યું હતું કે જેથી કરીને પાંચેય પુત્ર નામની આ સામ્યતાને લીધે એકમેક સાથે જોડાયેલા રહે.