સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા છે કે તૂફાન એક્સપ્રેસ! એક જ ઓવરમાં ફટકાર્યા આટલા રન…

ઇન્દોરઃ 2025ની આઇપીએલ માટે 18 કરોડ રૂપિયામાં રીટેન કરીને ફરી કૅપ્ટન બનાવવામાં આવેલા હાર્દિક પંડ્યાએ પોતાને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આ જે સન્માન મળ્યું છે એને યોગ્ય ઠરાવતી ઇનિંગ્સ શુક્રવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ઇન્દોરની મૅચમાં રમ્યો હતો અને કેપ્ટણ તથા મોટા ભાઈ કૃણાલને શાનદાર જીત અપાવી હતી.

બરોડાની ટીમના હાર્દિકે ત્રિપુરા સામે 23 બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 47 રન ફટકારી દીધા હતા. તેણે એક ઓવરમાં 29 રન બનાવ્યા હતા.

હાર્દિક જ્યારે પણ ક્રીઝમાં આવે ત્યારે ક્રિકેટપ્રેમીઓ માની લેતા હોય છે કે તેના બૅટમાંથી ચોક્કા અને છગ્ગાની રમઝટ બોલાશે.

આપણ વાંચો: હાર્દિક પંડ્યાએ બરોડાને ગુજરાત સામે વિજય અપાવ્યો

ત્રિપુરા સામેની મૅચમાં તેના મોટા ભાઈ અને ટીમના કૅપ્ટન કૃણાલ પંડ્યાએ હાર્દિકને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી. ત્રિપુરાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 109 રન બનાવી શકી હતી. બરોડાના આકાશ સિંહે ત્રણ અને ખુદ કૃણાલ પંડ્યાએ બે તેમ જ મહેશ પીઠિયા તથા લુકમાન મેરીવાલાએ એક-એક વિકેટ લીધી હતી.

બરોડાને ફક્ત 110 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બરોડાની શરૂઆત સારી નહોતી. 39 રનમાં એણે બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ હાર્દિક અને ઓપનર મિતેશ પટેલ (37 અણનમ, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી થઈ હતી. બરોડાએ માત્ર 11.2 ઓવરમાં ત્રણ વિકેટે 115 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.

આપણ વાંચો: હાર્દિક પંડ્યાનો ટી-20 રૅન્કિંગનો કરિશ્મા, પાછો વર્લ્ડ નંબર-વન બની ગયો…

હાર્દિક આ ટૂર્નામેન્ટમાં બહુ સારા ફૉર્મમાં છે. તેણે તામિલનાડુ સામેની મૅચમાં પણ સારી ફટકાબાજી કરી હતી. એક ઓવરમાં તેણે 28 રન ફટકાર્યા હતા અને 30 બૉલમાં કુલ 69 રન બનાવ્યા હતા. ગુજરાત સામે તેણે 35 બૉલમાં 74 રન ખડકી દીધા હતા.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટેસ્ટ ટીમને બાદ કરતા લગભગ તમામ ભારતીય ખેલાડીઓ રમી રહ્યા હોવાથી આ ટૂર્નામેન્ટ વધુ રોમાંચક થઈ ગઈ છે. જો હાર્દિક આ જ ફૉર્મમાં રહેશે તો આવનારા દિવસોમાં એકાદ-બે રેકૉર્ડ તોડી નાખશે. ધીમે-ધીમે હાર્દિકનો ખોફ હરીફ ટીમોના બોલર્સમાં પેસી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button