IPL-2024માં ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં રમે હાર્દિક પંડ્યા? આ ખેલાડી સંભાળશે ટીમની કમાન?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે હવે ફરી એક વખત હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો છે. આઈપીએલ-2024ને કારણે. એક રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હવે ગુજરાત ટાઇટન્સ (GT)નો કેપ્ટન નહીં રહે અને તેને બદલે કદાચ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માને GTનું સુકાન સોંપવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે GTએ પંડ્યાને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફરી શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રો દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચર બંનેમાંથી કોઈ પણ એકને રિલીઝ કરી શકે છે.
હાર્દિક પંડ્યાની અદલાબદલી મુંબઈ ઈન્ડિયન્સના જ એક ખેલાડી સાથે કરવામાં આવી છે, પરંતુ આ ખેલાડી કોણ હશે તેની કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આઅગાઉ એવું કહેવાઈ રહ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ગુજરાત ટાઇટન્સમાં આવી શકે છે અને જ્યારે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાને મુંબઈની કેપ્ટન્શિપ સોંપવામાં આવશે. આ સિવાય એક સમાચાર એવા પણ હતા કે કદાચ હાર્દિકને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે અદલાબદલી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સ ટીમ 2022ની સિઝનમાં પ્રથમ વખત IPLમાં ભાગ લીધો હતો અને હાર્દિકની કેપ્ટન્સીમાં ટીમ પહેલી વખત ટાઇટલ જીતી પણ હતી. પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતની આ ટીમ 2023ની સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો રોહિત શર્માની કેપ્ટન્સીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોહિત શર્માને IPLમાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કરોડરજ્જુ કહેવામાં આવે છે. પરંતુ હવે એવા અહેવાલો છે કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ દ્વારા પડતો મૂકવામાં આવી શકે છે. એટલે કે, રોહિત શર્મા વર્ષ 2024માં યોજાનારી IPLમાં કોઈ અન્ય ટીમ માટે રમતા જોવા મળી શકે છે. અહીંયા તમારી જાણ માટે કે રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. વર્ષ 2020થી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ઘણા મોટા ફેરફારો થયા છે અને ખેલાડીઓની અહીં-ત્યાં શિફ્ટિંગને કારણે ટીમના પ્રદર્શનને ઘણી અસર જોવા મળી રહી છે.