IPL 2024સ્પોર્ટસ

હરભજનની સંભવિત ટીમમાંથી હાર્દિક આઉટ, સૅમસન-શિવમ ઇન!: જુઓ ભજ્જીના પંદર પ્લેયરમાં કોણ-કોણ છે?

નવી દિલ્હી: આઇસીસીના નિયમ મુજબ દરેક દેશે જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે થોડા જ દિવસમાં પોતાની ટીમ જાહેર કરી દેવી પડશે. આઇપીએલમાં અત્યારે ઘણા ખેલાડીઓના પર્ફોર્મન્સમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે ત્યારે કરોડો ક્રિકેટપ્રેમીઓને કયા ખેલાડીઓને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જવા મળશે એ જાણવાનો ઇન્તેજાર હશે. કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ-નિષ્ણાતો પોતપોતાની રીતે વર્લ્ડ કપ માટેના ખેલાડીઓના નામ સૂચવી રહ્યા છે, પરંતુ ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે કેટલાક આંચકાજનક સૂચનોની સાથે પોતાના પંદર ખેલાડીઓના નામ આપી દીધા છે.

2007માં સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો જેમાં એમએસ ધોનીની ટીમમાં લેજન્ડરી સ્પિનર હરભજન પણ હતો.
હરભજને સૌથી મોટો આંચકો હાર્દિક પંડ્યાની બાદબાકી કરીને આપ્યો છે. જોકે ભજજીએ આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં 200 વિકેટ લેનાર એકમાત્ર બોલર યુઝવેન્દ્ર ચહલનો અચૂક સમાવેશ કર્યો છે. આઇપીએલની વર્તમાન સીઝનના ફાસ્ટેસ્ટ બોલર અને લખનઊ સુપર જાયન્ટ્સ વતી રમતા મયંક યાદવને પણ ટીમમાં સામેલ કર્યો છે.

આપણ વાંચો: IPL 2024 GT vs DC: માત્ર 16 રન બનાવનારા ઋષભ પંત પ્લેયર ઓફ ધ મેચ, બોલર્સને અન્યાય? જાણો શું છે કારણ

આઇપીએલને કારણે ભારતને હવે દર વર્ષે ઘણા નવા ટૅલન્ટેડ ખેલાડીઓ મળી જતા હોય છે. જોકે વર્લ્ડ કપ માટેની પંદરની ટીમમાં બધાને સમાવવા સંભવ ન હોય એટલે હરભજને લખનઊ સુપર જાયન્ટ્સના કૅપ્ટન કેએલ રાહુલ, ગુજરાત જાયન્ટ્સના સુકાની શુભમન ગિલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજને પણ પોતાની ટીમમાં નથી સમાવ્યા. જોકે વિકેટકીપર-બૅટર તરીકે ભજ્જીએ રિષભ પંત ઉપરાંત ઇન્ફૉર્મ પ્લેયર સંજુ સૅમસનને તેમ જ હાર્દિકને બદલે શિવમ દુબેને ટીમમાં જગ્યા આપી છે.

વર્લ્ડ કપ માટેની હરભજનની પંદર પ્લેયરની ટીમ:

રોહિત શર્મા (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિન્કુ સિંહ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button