હાર્દિક-કૃણાલના મમ્મીએ અસંખ્ય ગૌ માતાને રસ-રોટલીનું જમણ પીરસ્યું

વડોદરાઃ ભારતને ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર, ટીમ ઇન્ડિયાને અનેક મૅચોમાં વિજય અપાવનાર અને હાલમાં દમદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મુંબઈ ઇન્ડિયન્સને તળિયેથી બહાર લાવીને ટોચના સ્થાનોમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેમ જ આઇપીએલમાં બેંગલૂરુની ટીમ વતી રમતા સ્ટાર-ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાના મમ્મી નલિનીબેન (Nalini Pandya) હિમાંશુભાઈ પંડ્યાએ વડોદરાના એક જાણીતા ફાઉન્ડેશન સાથે મળીને ગૌ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું એક વીડિયોમાં તેમ જ કેટલાક ફોટોમાં જોવા મળી રહ્યું છે.
નલિનીબેને પાંજરાપોળમાં આશરો લેતી 700 જેટલી ગાય (cow)ને અને વાછરડાંઓને તાજેતરમાં 2,100 કિલો કેરીનો તાજો-ઠંડો રસ (mango pulp)તેમ જ પાંચ હજાર રોટલી (Rotli)નું જમણ પીરસ્યું હતું અને એ રીતે તેમણે અનોખી ગૌ સેવાનો લાભ લીધો હતો.
આ ફાઉન્ડેશન અનેક લોકોને ગૌ સેવામાં જોડવાનો પ્રયત્ન કરે છે જેમાં હાર્દિક-કૃણાલના મમ્મી નલિનીબેન પણ જોડાયા છે.
સીઝનમાં ફાઉન્ડેશન તરફથી આ બીજી વાર ગૌ માતા તેમ જ નંદીજી મહારાજ માટે બે હજાર કિલોથી વધુ કેરીનો રસ પીરસવામાં આવ્યો છે.
પંડ્યા પરિવારના સભ્યોએ આ સેવાકાર્યને ઑનલાઇન નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો. ફાઉન્ડેશનના નીરવ ઠકકરે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે `એક સમયે આપણા પરિવારમાં દરરોજ પહેલું ભોજન ગૌ માતા માટે અલગ રાખવામાં આવતું હતું અને ત્યાર પછી જ પરિવારના સભ્યો તેમ જ મહેમાનો ભોજન કરતા હતા.
જોકે સમય જતાં હવે એ બધુ વિસરાઈ ગયું છે જે થતું રોકવાનો અમારો આ પ્રયાસ છે. અમે ગૌ માતાને વિવિધ ફળો, શાકભાજી, રોટલી, પૌષ્ટિક આહાર, લીલું ઘાસ, ઔષધિય લાડું તેમ જ ગોળની ભોજન સેવા પણ આપીએ છીએ. અમારો ઉદ્દેશ સામાન્ય લોકોને ગૌ સેવા સાથે જોડવાનો છે.