ગોલકીપર શ્રીજેશ ફ્લૅશબૅકમાં…પત્ની પ્રત્યેના નફરત અને રોમૅન્સના દિવસોની વાતો કરી
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમને ત્રીજા નંબર પર લાવીને સતત બીજા ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ સાથે સ્વદેશ પાછા આવેલા ગોલકીપર પીઆર શ્રીજેશે હવે નિવૃત્તિ પણ લઈ લીધી છે અને મંગળવારે અહીં પોતાના સન્માન માટેના સમારંભમાં તેણે થોડી અંગત વાતો કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. તેણે પત્ની અનીશ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘સ્કૂલમાં અનીશ્યા ભણવામાં મારાથી બહુ હોશિયાર હતી એટલે શરૂઆતમાં તો હું તેને નફરત કરતો હતો, પણ પછી તેના પ્રેમમાં પડ્યો હતો.’
18 વર્ષની શાનદાર કરીઅર દરમ્યાન ચાર ઑલિમ્પિક્સમાં રમી ચૂકેલો શ્રીજેશ ભારત વતી કુલ 336 મૅચ રમ્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં જ તેણે કુલ 50 વખત ગોલ થતો રોક્યો હતો.
36 વર્ષના શ્રીજેશે પીટીઆઇ એડિટર્સને આપેલી મુલાકાતમાં અંગત જીવનની વાતો કરી હતી. ખાસ કરીને તેણે પત્ની અનીશ્યા સાથે પોતે પહેલા ક્યારે મળ્યો એ વિશેની ફિલ્મી સ્ટાઇલની સ્ટોરીની વિગત સમારોહના મંચ પરથી જણાવી હતી.
અનીશ્યા ભૂતપૂર્વ લૉન્ગ જમ્પર છે. તે આયુર્વેદ ડૉક્ટર છે. શ્રીજેશ-અનીશ્યાએ 2013માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી (અનુશ્રી) અને એક પુત્ર (શ્રીયાંશ) છે.
આ પણ વાંચો : PM Modi 15 ઓગસ્ટે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીય એથલીટો સાથે મુલાકાત કરશે
શ્રીજેશે પીટીઆઇને કહ્યું, ‘હું અને અનીશ્યા એક જ સ્કૂલમાં ભણતા હતા. હું ભણવામાં હોશિયાર હતો. મારા ક્લાસમાં નંબર-વન આવતો હતો. હું ક્લાસમાં સુપરસ્ટાર હતો અને મારા ટીચરનો ખાસ સ્ટુડન્ટ અને ક્લાસમાં દરેકનો ફેવરિટ હતો. એક વર્ષની શરૂઆતમાં અચાનક તે મારા ક્લાસમાં જોડાઈ. તે મારાથી ભણવામાં હોશિયાર હતી. જેમાં હું 50માંથી 35થી 42 માર્ક લાવતો એમાં તે 49 માર્ક લાવતી હતી. મને ત્યારે તેનાથી નફરત થતી હતી (અદેખાઈ થતી હતી). અમે એકમેકના દુશ્મન જેવા થઈ ગયા હતા. જોકે પછી એ નફરત અમારાં પ્રેમમાં પલટાઈ હતી. કેરળમાં રિવાજ છે કે જે છોકરી ગમતી હોય એનો હાથ માગવા તેના પિતા પાસે જતાં પહેલાં છોકરો આર્થિક રીતે સધ્ધર હોવો જરૂરી હોય છે. મેં હૉકી રમવાનું શરૂ કર્યું એ પહેલાં મેં સારી નોકરી મેળવવાનો ધ્યેય રાખ્યો હતો.’
શ્રીજેશે હૉકીમાં કરીઅર બનાવવાની ઇચ્છા બતાવી ત્યારે અનીશ્યાએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો અને પછી ધીમે-ધીમે શ્રીજેશ હૉકીમાં એક પછી એક ઉપલા સ્તરમાં પહોંચ્યો અને ભારતીય હૉકીના લેજન્ડરી ગોલકીપર તરીકે ઓળખાવા લાગ્યો.
શ્રીજેશ ઑલિમ્પિક ગેમ્સની મૅચોમાં વારાફરતી તેના પુત્ર-પુત્રીનું નામ ધરાવતી હૉકી સ્ટિકનો ઉપયોગ કર્યો હતો.