હૉકી ઇન્ડિયાનો મોટો નિર્ણય, જર્સી નંબર-16ને રિટાયર કરી દીધી
પૅરિસ: ભારતીય હૉકી ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં કમાલનું પર્ફોર્મ કરીને સતત બીજી વાર બ્રૉન્ઝ મેડલ જીતી લીધો એમાં તમામ ખેલાડીઓમાં ખાસ કરીને કૅપ્ટન હરમનપ્રીત સિંહનું તેમ જ વિશેષ કરીને ગોલકીપર પીઆર શ્રીજેશનું મહત્ત્વનું યોગદાન હતું. હૉકી ટીમે કાંસ્યપદકની ઉજવણીની સાથે શ્રીજેશના રિટાયરમેન્ટ બદલ તેને મેડલ સાથે યાદગાર ફેરવેલ આપી ત્યાર બાદ હવે દેશમાં હૉકીનું સંચાલન કરતી સંસ્થા હૉકી ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. એણે શ્રીજેશની 16 નંબરની જર્સીને પણ રિટાયર કરી દીધી છે.
હૉકી ઇન્ડિયાના મહામંત્રી ભોલા નાથ સિંહે એવી પણ ઘોષણા કરી છે કે લગભગ બે દાયકા સુધી 16 નંબરની જર્સી પહેરીને ભારતને અનેક મૅચો જિતાડનાર 36 વર્ષનો ગોલકીપર શ્રીજેશ હવે જુનિયર રાષ્ટ્રીય કોચ બનશે. ભોલા નાથે શ્રીજેશના માનમાં આયોજિત સમારંભમાં કહ્યું, ‘શ્રીજેશ હવે જુનિયર ટીમને કોચિંગ આપશે અને અમે શ્રીજેશની 16 નંબરની જર્સી રિટાયર કરી રહ્યા છીએ. હા, અમે જુનિયર ટીમ માટે 16 નંબરની જર્સીને રિટાયર નથી કરી રહ્યા. શ્રીજેશ જુનિયર ટીમમાં બીજા શ્રીજેશને તૈયાર કરશે જે 16 નંબરની જર્સી પહેરશે.
આ પણ વાંચો : PM Modi 15 ઓગસ્ટે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીય એથલીટો સાથે મુલાકાત કરશે
કેરળના અર્નાકુલમમાં જન્મેલા શ્રીજેશે 2006માં સાઉથ એશિયન ગેમ્સમાં રમીને ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. હૉકીની રમતના ‘ધ વૉલ’ તરીકે ઓળખાતા શ્રીજેશે 18 વર્ષની કરીઅરમાં ચાર ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને બે વખત ભારતને મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી. તેણે એક સમયે ભારતીય હૉકી ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. 2021માં શ્રીજેશને ભારતીય ખેલકૂદના સર્વોચ્ચ પુરસ્કાર ખેલરત્ન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
શ્રીજેશે કુસ્તીબાજ વિનેશ ફોગાટને ફાઇટર તરીકે ઓળખાવતા કહ્યું હતું કે ‘ફોગાટે ફાઇનલમાં પહોંચીને એક મોટું મેડલ પાકું કરી જ લીધું હતું. જોકે છેલ્લી ઘડીએ તેને કહેવામાં આવ્યું કે તે ફાઇનલમાં ભાગ નહીં લઈ શકે. અમારી બ્રૉન્ઝ મેડલની મૅચ પહેલાં તે અમને મળી ત્યારે તેણે કહ્યું હતું કે ભાઈ, ગુડ લક, આપ તો દીવાર હો…અચ્છે સે ખેલો. ફોગાટ મને એ કહી રહી હતી ત્યારે પોતાનું દર્દ છુપાવીને મને શુભેચ્છા આપી રહી હતી. તે ખરેખર ફાઇટર રેસલર છે.’
સચિન-ધોની જેવું સન્માન મળ્યું
હૉકી ઇન્ડિયાએ શ્રીજેશને પચીસ લાખ રૂપિયાનું ઇનામ આપવાની સાથે તેની 16 નંબરની જર્સીને રિટાયર કરી એનો અર્થ એ થયો કે શ્રીજેશને ભારતીય ક્રિકેટના બે મહાન સપૂતો સચિન તેન્ડુલકર અને મહેન્દ્રસિંહ ધોની જેવું સન્માન મળ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 2017માં સચિનની 19 નંબરની જર્સીને અને 2023માં ધોનીની 7 નંબરની જર્સીને રિટાયર કરી દીધી હતી. એનો અર્થ એ થયો કે જેમ નૅશનલ ક્રિકેટમાં કોઈ પણ નવો ખેલાડી 10 કે 7 નંબરની જર્સી નહીં પહેરી શકે એમ નૅશનલ હૉકીમાં કોઈ પ્લેયર 16 નંબરની જર્સી નહીં પહેરી શકે.