ભારતીય હોકી ટીમ દિલ્હી પહોંચી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
નવી દિલ્હી : ભારતીય હોકી ટીમ(Indian Hockey Team)દિલ્હી પહોંચી ગઈ છે. ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિલ્હી એરપોર્ટ પર હોકી ટીમનું ઢોલ -નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હોકી ટીમ 10 ઓગસ્ટે જ પેરિસથી ભારત પરત આવી હતી. ભારત પરત આવ્યા બાદ હોકી ટીમ અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી.
હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્પેન સામેની મેચમાં ભારતીય ટીમે 2-1થી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો અને 52 વર્ષ બાદ સતત ઓલિમ્પિક મેડલ જીત્યા. આ પહેલા 2021માં રમાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં પણ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પીઆર શ્રીજેશ નિવૃત્ત થયા
હોકી ટીમના દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિકમાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. પીઆર શ્રીજેશ પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ નિવૃત્ત થયા. ઓલિમ્પિકના સમાપન સમારોહમાં શૂટર મનુ ભાકર સાથે પીઆર શ્રીજેશ પણ ધ્વજવાહક તરીકે જોવા મળ્યો હતો.